– હવામાન વિભાગના શિમલા કેન્દ્રે આ બાબતની પુષ્ટિ કરી
હિમાચલ પ્રદેશમાં ફરી મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. હાલમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. જો કે, થોડીવાર માટે લોકો ડરી ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા.
- Advertisement -
રાજ્યના આદિવાસી જિલ્લા કિન્નૌર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 હતી અને ભૂકંપનું કેન્દ્ર કિન્નૌર જિલ્લાના ચાંગો ખાતે જમીનની અંદર પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. હવામાન વિભાગના શિમલા કેન્દ્રે આ બાબતની પુષ્ટિ કરી છે. શુક્રવારે રાત્રે 10:02 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. થોડીક સેકંડ માટે ધરતી ધ્રૂજી ઊઠી હતી.
આ અગાઉ હિમાચલ પ્રદેશના કુલ્લુ અને મંડી જિલ્લામાં 16 નવેમ્બર 2022 ના રોજ રાત્રે 9:21 વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર મંડીથી 27 કિમી ઉત્તર-પશ્ચિમમાં જમીનથી 5 કિમીની ઊંડાઈ સાથે હતું.
પર્વતીય પ્રદેશ હોવા ઉપરાંત હિમાચલ પ્રદેશની ગણતરી ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં થાય છે. તે સિસ્મિક ઝોન 4 અને 5માં આવે છે જેનો અર્થ છે કે, અહીં તીવ્ર ભૂકંપનો ભય છે. મંડી અને ચંબા, શિમલા અને કિન્નૌર સંવેદનશીલ જિલ્લાઓમાં સામેલ છે.
- Advertisement -
4 એપ્રિલ 1905ના રોજ કાંગડામાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા. ભૂકંપના કારણે લગભગ એક લાખ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી જ્યારે 53 હજારથી વધુ પશુઓ પણ ભૂકંપનો ભોગ બન્યા હતા. બીજી તરફ 1975માં કિન્નૌર જિલ્લામાં પણ ભૂકંપ આવ્યો હતો.