પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી, એક આરોપી હજૂ ફરાર
ત્રણ કાર અને 15 લાખ રોકડા સહિત 28.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના પીપળી રોડ પર થયેલી રૂ. 29 લાખની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે અને પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા કેવી રીતે લૂંટને અંજામ અપાયો તે સહિતની વિગતો પરથી પડદો ઉંચકાઈ ગયો છે. મળતી વિગતો મુજબ, મોરબીના પીપળી બેલા રોડ પર આવેલ કેલેર્ફેકશન પ્રા.લી. નામની ફેક્ટરીમાં કેશિયર તરીકે કામ કરતા ચંદ્રેશભાઇ રવજીભાઇ શિરવી ગત તા. 15 ડિસેમ્બરના સાંજે કારખાનેથી તેના ઘરે નવી પીપળી ગામ ખાતે જતા હતા તે દરમિયાન જૂની અને નવી પીપળી ગામ વચ્ચે આવેલ કાચા રસ્તે તેમના બાઈક સાથે કાર અથડાવી માર મારીને ત્રણ શખ્સો ચંદ્રેશભાઈ પાસે રહેલા રોકડા રૂ. 29 લાખ ભરેલો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે આ અંગે તપાસ કરતા લૂંટના ગુનાના આરોપીઓ કે કાર અંગે ફરિયાદી પાસે કોઈ પ્રકારની માહિતી ન હોવાથી પોલીસ તપાસ મુશ્કેલ બની હતી જો કે પોલીસે તપાસ દરમિયાન ઘટનાસ્થળની મુલાકાત કર્યા બાદ પ્રથમ ફરિયાદી જે કારખાનામાં કામ કરતા હતા તે કારખાનામાં કામ કરતા અન્ય સહકર્મચારી તેમજ જરૂરી શકમંદોની પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેમાં આ ફેકટરીમાં સાથે કામ કરતા અર્જુનગીરી નારદગીરી ગોસાઈએ લૂંટ માટે મયુરભાઈ ઉર્ફે મયુરસિંહ દિલીપસિંહ ડોડીયાને ટીપ આપી હતી. અર્જુનગીરી જાણતો હતો કે, ચંદ્રેશભાઇ દરરોજ ક્યાંથી પસાર થાય છે અને બાદમાં આરોપીઓએ સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ અગાઉ લૂંટ કરવા કારખાનેથી તેના ઘર સુધી રેકી પણ કરી હતી અને લૂંટ માટે જગ્યા પીપળી રોડનો કાચો રસ્તો પસંદ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી જે કારખાનામાં કામ કરે છે. તેઓની સાથે કામ કરતા કર્મચારીએ આ બાબતે ટીપ આપેલી હોય અને ગુનાને અંજામ આપનાર આરોપીઓ બે કારનો ઉપયોગ કર્યો હોય અને લૂંટના ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓએ કારખાનાથી લઈ ઘટનાસ્થળ સુધીની અગાઉથી રેકી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ચકચારી લૂંટ કેસમાં પોલીસે આરોપી મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા (રહે. ચોટીલા), શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ (રહે. હળવદ), મહિપાલસિંહ અભેસંગ ગોહેલ (રહે. સુખપર, હળવદ), ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી (રહે. હરીપર, ધાંગધ્રા), રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા (રહે. ઘનશ્યામપુર, હળવદ), દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર (રહે. હરીપર, ધાંગધ્રા) અને લૂંટની ટીપ આપનાર અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (રહે. શિવ પાર્ક, વેજીટેબલ રોડ, ઉમા ટાઉનશીપ પાછળ, મોરબી) ને રૂ. 2 લાખની કિંમતની કાર, રૂ. 4 લાખની કિંમતની બોલેરો કાર, રૂ. 7 લાખની કિંમતની કિયા કાર અને રૂ. 15 લાખ રોકડા તેમજ રૂ. 30,500 ની કિંમતના છ મોબાઈલ મળીને કુલ રૂ. 28,30,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે આ લૂંટના ગુનામાં મનીષ સોલંકી (રહે. થાન રોડ, રુદ્ર ભૂમિ સોસાયટી, ચોટીલા) ની સંડોવણી ખુલતા તેને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતીમાન
કર્યા છે.
મોરબીમાં થયેલી 29 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, કંપનીમાં કામ કરતા કર્મચારીએ જ બાતમી આપી હતી
