ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોંઘા થઇ રહેલા શિક્ષણને લઇ હવે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે હરીફાઈ શરૂ થઇ છે. ખાનગી શાળાઓમાં વધતી ફી, વાલીઓને થતી પરેશાની, અસુવિધાઓને લઇ હવે દર વર્ષે ઘણા વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે. રાજ્ય સરકારની પહેલના પરિણામે સરકારી શાળાઓમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની અસરની હવે જોવા મળી રહી છે. રાજકોટના વાલીઓને એ હકીકત સમજાઇ છે.
- Advertisement -
સરકારી શાળાઓમાં વેલ ક્વોલિફાઇડ શિક્ષકો, લેટેસ્ટ ટેક્નોલોજીનું ઇન્ફાસ્ટ્રક્ચર હોવાથી ખાનગી શાળાઓ કરતાં ઘણી સારી છે અને એના જ કારણે આ વર્ષે 2849 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી 938 સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
ગુણોત્સવમાંથી મળેલા પરિણામોને ધ્યાને લઇ મિશન વિદ્યા કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં વાંચન, ગણન અને લેખનમાં નબળા બાળકોને પ્રિય વિદ્યાર્થી ગણી શાળા સમય બાદ અભ્યાસ કરાવી સક્ષમ બનાવવામાં આવે છે. સરકારી શાળામાં વિદ્યાર્થીને પાઠ્યપુસ્તકો, ગણવેશ, શિષ્યવૃત્તિ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, સાઇકલ. પુસ્તકાલય, જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસ રૂમથી શિક્ષણકાર્ય, કમ્પ્યૂટર શિક્ષણ, પ્રત્યેક શનિવારે અલગ અલગ વિષયની એકમ કસોટી, સતત પુનરાવર્તન ક્ધસેપ્ટ દ્વારા ઉપચારાત્મક શિક્ષણ કાર્ય તેમજ ધોરણ 2ના તમામ બાળકોને વેકેશનમાં વાંચન, લેખન, ગણન શિક્ષકો સમયદાન કરી શીખવે છે.
શહેરમાં 1185, ગ્રામ્યમાં 1664 વિદ્યાર્થીએ શાળા બદલી
રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 93માંથી 84 સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી પ્રવેશ મેળવ્યો છે. 1185 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓએ ખાનગી સ્કૂલ મૂકી સરકારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું છે. જેમાં શ્યામાં પ્રસાદ મુખર્જી સ્કૂલ નંબર 69માં 91, પ્રિયદર્શની સ્કૂલ નંબર 96માં 69 તો તિરુપતિ પ્રાથમિક સ્કૂલમાં 67 વિદ્યારઓએ સરકારી સ્કૂલમાં અપાતા શિક્ષણથી આકર્ષિત થઈને ત્યાં એડમિશન મેળવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના 11 તાલુકાઓની સરકારી પ્રાથમિક 845 સ્કૂલોમાં 1510 અને માધ્યમિકમાં 154 મળી કુલ 1664 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે કે જેઓ અગાઉ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.