એપ્રિલ માસમાં મ્યુઝિયમમાં 16 વિદેશી પ્રવાસી સહિત 3564 મુલાકાતી નોંધાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાએ આલ્ફ્રેડ હાઈસ્કૂલના બિલ્ડિંગમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કર્યુ છે. જોકે તેમાં મુલાકાતીઓને આકર્ષવામાં મનપા નિષ્ફળ રહેતા ખૂબ જ ઓછા લોકો લાભ લઈ રહ્યા છે અને જે મુલાકાતીઓ આવે છે તેમાં મોટાભાગના શાળાના પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓ હોય છે. બીજી તરફ શહેરમાં જે પણ વિદેશ પ્રવાસીઓ આવે છે તેઓ માટે આ મ્યુઝિયમ મહાત્મા ગાંધીના જીવન કવનની માહિતી મેળવવા માટેનું ઉત્તમ સાધન ગણાવી રહ્યા છે. ઓક્ટોબર 2018થી અત્યાર સુધીમાં દેશ-વિદેશના કુલ 2,56,426 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી એપ્રિલ માસમાં મ્યુઝિયમમાં 16 વિદેશી પ્રવાસી સહિત 3564 મુલાકાતી નોંધાયા હતા. વિદેશી પ્રવાસીમાં બ્રિટન, ફ્રાન્સ, માડાગાસ્કર, યુએસએ, તાહિતી, શિકાગો સહિતના નાગરિકો આવ્યા હતા. જ્યારે અન્ય મુલાકાતીઓ પૈકી 835 અલગ અલગ 7 સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. આ વિદ્યાર્થીઓને શાળા પ્રવાસ માટે મ્યુઝિયમમાં લવાયા હતા. જેથી આ સિવાયના મુલાકાતીઓ સંખ્યા ખૂબ જ પાંખી છે. જાન્યુઆરી માસમાં આ જ મ્યુઝિયમમાં કુલ 5905 મુલાકાતીઓ નોંધાયા હતા જ્યારથી સંખ્યા ક્રમશ: ઘટી રહી છે. આ કારણે ટિકિટની આવક ન મળતા મનપા માટે મ્યુઝિયમનો ખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો છે જેના નિવારણ માટે મ્યુઝિયમનો કોન્ફરન્સ હોલ પણ મનપાએ ભાડે આપવાની જાહેરાત કરી દીધી હતી પણ હજુ સુધી તેમાં નોંધનીય આવક મળી નથી.