ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
તા. 20 અને 22-9-24ના રોજ જળક્રાંતિ ટ્રસ્ટની ચોટીલા-ભેખડિયા તળાવ યોજનાનું નિદર્શન યોજાયું હતું જેને નિહાળવા સાંસદ પુરુષોતમ રૂપાલા, ચંદુભાઈ સિહોરા- સુરેન્દ્રનગર, વર્ધમાન પરિવાર-મુંબઈ, પતંજલિ રાષ્ટ્રીય યોગપીઠ અને રાજકોટ, અમદાવાદ, વડોદરા, મુંબઈના પ્રબુદ્ધ લોકો અને ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના 100 ગામોના આદિવાસીઓ આવ્યા હતા.
ચોટીલાનો ઠાંગો પ્રદેશ ભારતની શ્રેષ્ઠ વીડભૂમિ-ગૌચરભૂમિ છે. હજારો ગાયો, ભેંસો, ઘેંટાં, બકરાં અને અસંખ્ય વન્યજીવોનું આશ્રયસ્થાન છે. કૃષિમાં ભયાનક જળસંકટથી ગરીબી અને બેરોજગારી છે. જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી 40 ફૂટ ઊંડા તળાવો અને 15 ફૂટ સુધી ઊંચા 100 વર્ષ ટકાઉ ચેકડેમો નિર્માણ કરીને કૃષિ, ગોવંશ, જીવસૃષ્ટિ, ગામડા આબાદ કરાશે. પુરુષોતમ રૂપાલાએ જણાવેલું કે જળક્રાંતિ ટ્રસ્ટને મળેલ દાનનું સંસ્થા 100 ગણાથી વધુ વળતર દેશને આપે છે. મનસુખભાઈ સુવાગીયાએ દેશને જળક્રાંતિ, ગીર અને કાંકરેજ ગાયની ક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દેશી કૃષિબીજ અને દેશી આંબાની સુરક્ષા અને દિવ્યગ્રામ યોજના આપીને દેશની અજોડ સેવા કરી છે. આ તેઓનું જળતપ, ગોતપ, કૃષિતપ અને રાષ્ટ્રતપ છે. જેને તન-મન-ધનથી સહયોગ આપવા ઉદ્યોગપતિઓ, મહાજનોને અપીલ કરી હતી. ચોટીલા-ભેખડિયા યોજનાને કિસાનો, વિદ્યાર્થીઓ, ગોપાલકો પર્યાવરણ રક્ષકોનું પ્રશિક્ષણ કેન્દ્ર બનાવવા અપીલ કરી હતી. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ આ યોજનાને જિલ્લાની શ્રેષ્ઠ જળયોજના અને ગ્રામવિકાસનું આદર્શ મોડલ તરીકે બિરદાવી હતી.
- Advertisement -
પુનિતભાઈ ચોવટિયા, સુરેશભાઈ ચાવડા, રાજુલભાઈ માકડિયા, ઘનશ્યામભાઈ ભાલાળા, રવજીભાઈ વસાણી તરફથી જળક્રાંતિ ટ્રસ્ટને એક એક તળાવનું દાન મળેલું છે. આદિવાસી ગામ ભેખડિયા-જામલીમાં જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી નિર્માણ થયેલા 80 ચેકડેમ-તળાવોથી કૃષિ આવક – રોજગારીમાં પાંચગણી વૃદ્ધિ થઈ છે. નર્મદા કાંઠે 1000 આદિવાસી ગામોમાં પીવાના પાણીની કારમી સમસ્યા છે. લોકો 500થી 1500 ફૂટ ઊંડી ખીણોમાંથી માથે ઉંચકીને પીવાનું પાણી લાવે છે. રાજસ્થાનના જેસલમેર-બાડમેરમાં રણપ્રદેશમાં ગાયોને ઉનાળાની 50 ડીગ્રીની ગરમીમાં પાણી પીવા 20થી 35 કિ.મી. ચાલવું પડે છે. ગાયોને બે દિવસે પાણી મળે છે. વન્યજીવોને માત્ર વર્ષાઋતુમાં જ પાણી મળે છે ત્યારે જળક્રાંતિ ટ્રસ્ટના સંપૂર્ણ આર્થિક સહયોગથી ત્રણ રાજ્યના આદિવાસી ગામોમાં 100 તળાવ, રાજસ્થાનના રણપ્રદેશના 30 ગામોમાં 111 તળાવ અને ચોટીલા ગૌચરમાં 51 તળાવ નિર્માણ કરીને લોકો, ગાયો અને જીવસૃષ્ટિની આબાદી સાથે વિશ્ર્વપ્રેરક જળયોજના સાકાર કરાશે જેમાં ઉદાર સહયોગ આપવા જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ સુવાગીયાએ અપીલ કરી છે.
જળક્રાંતિ ટ્રસ્ટ સરકારથી માત્ર 10-20 ટકા ખર્ચમાં 100થી વધુ ટકાઉ અને વિશાળ જળભંડાર જેવા તળાવો જોઈને નિવૃત્ત ઈજનેરો- તજજ્ઞો, મહાજનોએ જળક્રાંતિ ટ્રસ્ટની પાણી-ગાય, પ્રાકૃતિક કૃષિ, દિવ્યગ્રામ યોજનાને અનુસરવા સરકાર, સંસ્થાઓ, દાતાઓ અને લોકોને અપીલ કરી છે.