દિવાળી ટાણે શંકાસ્પદ ઘી-તેલ-પનીરનો જથ્થો જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિવાળીના તહેવારના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઘી માફિયાઓ બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. દિવાળીના તહેવારો પર ભેળસેળ કરીને વધુ નફો મેળવાની લાલચે મોટા જથ્થાના વેચાણમાં ક્યાંક બનાવટી અને ભેળસેળયુક્ત માલસામાન બનાવીને વેચાણ કરતા લેભાગુ તત્વો હાલ સક્રિય બન્યા છે.
કડીના બુડાસણમાં 10 દિવસમાં બનાવટી ઘીની બીજી ફેક્ટરી પકડાઇ છે. જેમાં ફૂડ વિભાગે રૂ.13.78 લાખની કિંમતનો 2500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી ફેક્ટરીને સીલ મારી છે. તેમજ ડીસામાં મોડી રાત્રે ઓઇલ મીલમાં રેડ કરી રૂ. 2.38 લાખની કિંમતનો 2368 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે બીજી બાજું મહેસાણા જીઆઇડીસીમાં આવેલ નમન અને ક્રિષ્ણા ડેરીમાં દૂધમાં વેજીટેબલ ઘીની મિલાવટ કરીને પનીર બનાવાતું હતું ત્યાં રેડ પાડી 834 કિલો બનાવટી પનીરનો જથ્થો ઝડપાયો હતો.
થોડાક દિવસો અગાઉ બુડાસણ ગામની સીમમાં આવેલી જીઆઇડીસીમાં એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાં શંકાસ્પદ ઘીનો એક કરોડથી પણ વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જે બાદ કડી પોલીસ એક્શન મોડમાં આવી હતી અને અલગ અલગ ટીમો બનાવીને શંકાસ્પદ ઘીના જથ્થા ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. મારુતિ ફૂડ પ્રોડક્ટ નામની કંપનીમાં ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી મળતાની સાથે જ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને 100 શંકાસ્પદ ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઘીના નમૂના લઇ લેબોટરી માટે મોકલ્યા હતા. આશરે 10 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
- Advertisement -
કડી તાલુકાના છત્રલ રોડ પર આવેલા બુડાસણ ગામની જીઆઇડીસી નજીક શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ધમધમતી હતી. જે માહિતીના આધારે કડી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી બાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ મહેસાણા વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા બાદ ઘીના નમૂના લઇ લેબોટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. કડી છત્રાલ રોડ પર આવેલ જીઆઇડીસી નજીક શ્રમ વિસ્તાર અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આ ફેક્ટરી ધમધમતી હતી. જ્યાં કંપનીમાંથી 100 GM, 200 GM, 500 GM, 15 KGના પેકિંગમાં શંકાસ્પદ ઘી પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવતું હતું તેનો સરસામાન પણ મળી આવ્યો હતો. જ્યારે પોલીસની હાજરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘીના નમૂના લઈને ફૂડ સેફ્ટી વાનમાં સેમ્પલ કરવામાં આવ્યું હતું. જ્યાં પ્રાથમિક દૃષ્ટિએ ટેસ્ટ કરવામાં આવતા ગાયના ઘીના સેમ્પલમાં વેજીટેબલ ઘી મળી આવ્યું હતું. જે બાદ અધિકારીઓ દ્વારા કંપનીને સીલ કરવાની તજવીજ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજિત 10 લાખ રૂપિયાના 2500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
ડીસામાં ફૂડ વિભાગની ટીમે બુધવારે રિસાલા બજાર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા સિયા માર્કેટિંગ નામના ઘીના ગોડાઉનમાં રેડ કરી 11 લાખની કિંમતના 300થી વધુ ઘીના ડબ્બા તેમજ વેજ ફેટના જપ્ત કર્યા હતા. ત્યાર બાદ મોડી રાત્રે એક ઓઇલ મીલમાં રેડ કરી રૂપિયા 2.38 લાખની કિંમતનો 2368 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કર્યો હતો.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેક્ટરીના ગોડાઉનને સીલ માર્યું
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડી ખાતે એક ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. તેમાં કડી પોલીસની મદદ લીધી હતી અને પોલીસની બાતમીના આધારે અમે જોઈન્ટ તપાસ કરી હતી. હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેક્ટરીના ગોડાઉનને સીલ કર્યું છે, આ અગાઉ પણ કડીના એક અંતરિયાળ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1.24 કરોડનો બનાવટી ઘીનો જથ્થો ઝડપ્યો હતો. દિવાળીના તહેવારોને ધ્યાને લઈ આવા લેભાગુ તત્વો એક અથવા બે ટકા જ હોય છે. આવા ભેળસેળીયા તત્વો દિવાળીના તહેવારનો લાભ લઈ આવું બનાવટી ઘી અંતરિયાળ વિસ્તારની જગ્યા ઉપર ઉત્પાદિત કરતા હોય છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવા તત્વો ઉપર બાજ નજર રાખે છે.