કમરના દુ:ખાવાના દર્દમાં ઓર્થોપેડિક સર્જન અને આરએમઓએ સહી કરી આપેલા અનફિટ સર્ટી રદ્દ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગર પાલિકામાં સફાઈ કામદાર કર્મચારીઓને અનફિટ દર્શાવી વારસદારોને નોકરી આપવાના ખેલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે તેવા સમયે જ રાજકોટ સિવિલ હોસ્પિટલના અર્થોપેડીક સર્જન અને આરએમઓએ કમરના દુ:ખાવાનું દર્દ બતાવી માત્ર એક્સ-રે કરાવી ફટાફટ 20થી 25 જેટલા અનફિટ સર્ટિફિકેટ તૈયાર કરી દેતા આ તમામ સર્ટિફિકેટ રદ્દ કરી નાખવામાં આવ્યા છે અને હવે પછીથી સિવિલમાં આવી લાલીયાવાડી નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશ ઉચ્ચ અધિકારી દ્વારા આપી સિવિલ સ્ટાફને પણ શાનમાં સમજી જવા નિર્ણય કર્યાનું બહાર આવ્યું છે.
સિવિલ હોસ્પિટલના ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગત અઠવાડિયે શનિવારની રજાનો ભરપૂર લાભ ઉઠાવી ઓર્થોપેડિક સર્જન અને આરએમઓ દ્વારા એક સાથે 20થી 25 જેટલા કિસ્સામાં અનફિટ સર્ટિફિકેટનો ઘાણવો તૈયાર કરી લઈ સર્ટિફિકેટ ઈશ્યુ કરવા માટે ઉપરી અધિકારીની સહીમાં મોકલવામાં આવતા ઉચ્ચ અધિકારી પણ ચોકી ઉઠ્યા હતા અને કમરના દર્દ જેવી મામૂલી બીમારીમાં ઈશ્યુ થયેલા એક સાથે 20થી 25 કેસની ફાઈલ જોતા અનફિટ માંગનાર દર્દીઓની સારવારની હિસ્ટ્રી, જરૂર પડ્યે ઓપરેશન સહિતની ટ્રીટમેન્ટને બદલે સીધા જ અનફિટ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવાના ખેલને ઊંધો પાડી તમામ અનફિટ સર્ટિફિકેટ રિજેક્ટ કરી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગર પાલિકામાં કામ કરતા કાયમી કર્મચારીઓ જો શારીરિક રીતે અનફિટ હોય તો જોગવાઈ મુજબ વારસદારોને સીધી જ કાયમી નોકરી મળી શકતી હોય વચેટિયાઓ દ્વારા લાંબા સમયથી વહીવટ આચરીને ગરીબ સફાઈ કામદારો પાસેથી નાણાકીય લાભ મેળવી અનેક કિસ્સામાં ખોટા સર્ટિફિકેટ ઈશ્યુ થયાનું ભૂતકાળમાં અનેક વખત બન્યું છે અને આવા કિસ્સામાં તપાસ પણ ચાલી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં શનિવારની રજામાં અનફિટ ગરકાવી દેવાનો નિરર્થક પ્રયાસ થતા અધિકારીક વર્તુળમાં આ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે.