ડુંગર પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુંભારીયા ગામે એક આપઘાતની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ રાજુલાના કુંભારીયા ગામે એક 23 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કર્યો હતો. હેતલબેન રૂદાભાઈ ઘુસીયા નામની યુવતીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જુના દેવકા ગામે માધ્યમિક સરકારી શાળામાં આઉટ સોર્સ શિક્ષક તરીકે યુવતી ફરજ બજાવતી હતી. આ ધટનાની જાણ થતા ગામનાં સરપંચ ભરતભાઈ રાદડીયા તથા આગેવાનો અને ડુંગર પોલીસ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી. ડુંગર પોલીસ દ્વારા યુવતીના પરીવારજનોની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે યુવતીની લાશને પીએમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. શિક્ષિકા યુવતીના આપઘાતનું કારણ અંકબધ અને પોલીસ તપાસ બાદ આપઘાતનું કારણ બહાર આવશે. મુળ જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના ચાંદવડા ગામની યુવતી છે. અને આઉટ સોર્સ શિક્ષક તરીકે રાજુલાના દેવકા ગામની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ પર હતાં. અને કોઈ કારણોસર શિક્ષિકાએ આપઘાત કરી લેતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી હતી. હાલ ડુંગર પોલીસ દ્વારા શિક્ષિકાના આપઘાતને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



