17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા-2024 અભિયાન યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મ્યુનિસીપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમગ્ર આયોજનને આખરી ઓપ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્વચ્છતાના જન આંદોલનના અને સુશાસનના પ્રેરણાસ્રોત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની સામુહીક ભાવના જન-જનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને ગુજરાતભરમાં જન ભાગીદારીથી જ્વલંત સફળતા અપાવવાનો નિર્ધાર કર્યો છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યના મહાનગરોના મ્યુનિસીપલ કમિશનરો તથા જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજીને અભિયાનના આયોજનને અપાઈ રહેલા આખરી ઓપની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં માર્ગદર્શન આપતા કહ્યું કે, રાજ્યભરમાં સ્વચ્છતા-સફાઈના કાર્યક્રમો સતત અને નિરંતર વર્ષ દરમિયાન પણ ચાલતા રહે તેવું મિકેનિઝમ ગોઠવીને જ આપણે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ને સાચા અર્થમાં સાર્થક કરી શકીશું. તેમણે રાજ્ય સરકારના પારદર્શી, સંવેદનશીલ અને પ્રો-એક્ટિવ વહીવટી તંત્રને વધુ વેગવાન બનાવીને પ્રજાજનોની વ્યક્તિગત રજૂઆતોના સ્થળ પર નિકાલ માટેના અભિનવ પ્રયોગ સેવાસેતુ ના 10મા તબક્કાના આયોજનની પૂર્વ તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી.ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા-2024 અભિયાન અને સેવાસેતુનો 10મો તબક્કો બન્ને તા. 17 સપ્ટેમ્બરથી શરૂ થઈને 31મી ઓક્ટોબર સુધી જનભાગીદારી સાથે યોજાવાના છે.
- Advertisement -
સ્વચ્છતા મિત્ર એવા સફાઈ કર્મયોગીઓ સફાઈ વાહકોની સુરક્ષા માટેની શિબીરો, હેલ્થ ચેકઅપ કેમ્પ્સ અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભ તેમને આપવાની બાબતનો પણ આ અભિયાનના ત્રીજા પિલ્લર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રામિણ વિસ્તારોમાં આ સ્વચ્છતા હી સેવા-2024માં વિવિધ પેરામિટર્સ-માપદંડોમાં શ્રેષ્ઠતા-ઉત્કૃષ્ટતા માટે શ્રેષ્ઠ જિલ્લા, તાલુકા અને ગામો મળી કુલ રૂ. 34.80 કરોડના 222 પુરસ્કારો નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા હી સેવાના આ અભિયાનમાં જાહેર સ્વચ્છતા-સફાઈ સાથે વરસાદને પરિણામે માર્ગો, ગટરોને થયેલા નુકશાનની મરામત કરીને એન્જીનીયરીંગ અને સેનીટેશનને પણ આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા હતાં.
તેમણે ‘સેવાસેતુ’માં જે વિવિધ યોજના-લાભો લોકોને મળવાપાત્ર છે તેમાં લાભાર્થીને સંતોષકારક વ્યવસ્થા સાથે સ્થળ પર જ સમસ્યા નિવારણની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાનું પણ માર્ગદર્શન આપ્યું હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ બન્ને જનહીત લક્ષી કાર્યક્રમોના વિસ્તૃત કાર્યઆયોજનના પ્રેઝન્ટેશન વિડીયો કોન્ફરન્સમાં કરવામાં આવ્યા હતા. મહાનગરો અને જિલ્લાઓમાં આ કાર્યક્રમો સંદર્ભે તંત્રની સજ્જતાની ઝીણવટ પૂર્વકની સમીક્ષા મુખ્યસચિવ રાજકુમારે કરી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યુ હતું કે, આ વર્ષનું સ્વચ્છતા હી સેવા-2024 અભિયાન મુખ્ય ત્રણ પિલ્લર્સ પર યોજવામાં આવશે.