આ દેશો ક્યારેય પણ યુદ્ધમાં કે વિવાદમાં પડતાં નથી
સૈન્ય નથી છતાં સુરક્ષિત અને શાંતિપૂર્ણ દેશ છે
- Advertisement -
શાંતિ જાળવવા માટે કોઈ શસ્ત્રો કે જંગી લશ્કરી બજેટ નહીં
એક તરફ અમેરિકાએ તોતિંગ ટેરિફ નાખીને દુનિયાના ઘણા મોટા દેશો સામે નારાજગી વહોરી લીધી છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ ગાઝાપટ્ટીમાં બોમ્બમારા કરે છે. અન્ય કેટલાક દેશોમાં આંતરવિગ્રહ અને સરહદી સમસ્યાઓ ચાલી રહી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વિરોધ અને વિદ્રોહનો દૌર ચાલી રહ્યો છે. આ વૈશ્વિક અફરતફરી વચ્ચે દુનિયામાં એવા પણ દેશો છે જ્યાં ગુનાખોરી ખૂબ જ નીચે છે. જ્યાં આતંકવાદની ચિંતા નથી અને આ દેશોને મોટા પોલીસ બેડા કે લશ્કરી દળોની જરૂર નથી. આ દેશો પાસે મોટી સેના કે હથિયારો પણ નથી. આ દેશો પોતાને બચાવવા માટે અનોખી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમ કે બીજા દેશો સાથે ગઠબંધન કરવું અથવા તટસ્થતા જાળવી રાખવી. તેઓ ક્યારેય યુદ્ધમાં ઉતરતા નથી કે કોઈની સાથે વિવાદમાં પડતા નથી. તેના કારણે જ આ દેશોનો અન્ય સાથે વધારે વિવાદ થતો નથી.
નવાઈની વાત એ છે કે કેટલાક દેશો એવા છે, જ્યાં ન તો સેના છે કે ન તો પોલીસ. છતાં આ દેશો દુનિયાના સૌથી સુરક્ષિત અને શાંતિપૂર્ણ દેશમાં ગણવામાં આવે છે. આ દેશો શાંતિ જાળવવા માટે ન તો કોઈ શસ્ત્રો રાખે છે, ન તો જંગી લશ્કરી બજેટ. તેમની પાસે આધુનિક હથિયારો નથી, કે નથી મોટી પરમાણું મિસાઈલ્સ અને મોટા જહાજો કે ફાઈટર પ્લેન. આ દેશો કોઈની સાથે દુશ્મનીમાં ઉતરતા નથી અને અન્યની દુશ્મનીમાં વચ્ચે પડતા નથી. આ દેશો પોતાની રાજદ્વારી સમજણ, પાડોશી દેશ સાથેની મિત્રતા અને શાંતિની નીતિને અનુસરીને મુદ્દાના ઉકેલ લાવે છે. શાંતિ જાળવવા અને સારી રીતે વિશ્વમાં રહેવા માટે આ દેશો ઉદાહરણરૂપ છે. દુનિયામાં એવા 22 દેશો છે જેમની પાસે પોતાનું સૈન્ય નથી. તેઓ બીજા દેશોના સૈન્ય અને અન્ય દેશો સાથેના કરારોના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું રક્ષણ કરે છે.
- Advertisement -
વેટિકન સિટી
વિશ્વનો સૌથી નાનો દેશ ગણાય છે વેટિકન સિટી. આ દેશ ખ્રિસ્તી ધર્મનું કેન્દ્રસ્થાન પણ છે. વેટિકન સિટી પાસે પણ કોઈ સેના નથી. મહત્ત્વની વાત એ છે કે, અહીં સુરક્ષાની જવાબદારી સ્વિસ ગાર્ડ્સના હાથમાં છે. સ્વીસ ગાર્ડને પોપની સુરક્ષા માટે ખાસ જવાબદારી સોંપવામાં આવેલી છે. આ ઉપરાંત ઇટાલિયન પોલીસ અને ઈટાલિયન સેના વેટિકન સિટીને કટોકટી સેવાઓ પૂરી પાડે છે. આ દેશની ખાસિયત એ છે કે, અહીંયા ધાર્મિક વાતાવરણ રહે છે. મોટાભાગે પ્રવાસીઓની સંખ્યા વધારે છે. આ દેશમાં ગુનાખોરીના ખાસ કિસ્સા પણ બનતા નથી. વેટિકનને દુનિયાના કોઈ મોટા દેશો સાથે વિવાદ નથી કે કોઈની સાથે સરહદનો પણ વિવાદ થતો નથી.
મોનાકો
ફ્રાન્સની નજીક આવેલું મોનાકો પણ ખૂબ જ સમૃદ્ધ અને નાનો દેશ છે. પોતાના પાર્ટી કલ્ચર, હોલિવૂડ અને અબજો પતિઓની ઈવેન્ટ્સના માટે જાણીતો મોનાકો પણ ખૂબ જ શાંતિપ્રિય દેશ છે. મોકાનો પાસે પણ પોતાની સેના નથી. સુરક્ષા માટે તેના ફ્રાન્સ સાથે કરાર થયેલા છે. આ કરાર મુજબ, જો મોનાકોને ક્યારેય સુરક્ષાની જરૂર પડે, તો ફ્રાન્સ તેને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડશે. અહીંયા પોલીસ છે. તેઓ સ્થાનિક ગુનાખોરીને ડામવાનું કામ કરે છે. અહીંયા ગુનાખોરી પણ એવી વકરેલી નથી કે, પોલીસને વધારે કામ રહે કે ચિંતા રહે. અહીંનું વાતાવરણ એટલું શાંત છે કે લોકો દિવસ હોય કે રાત ગમે ત્યાં કોઈ પણ ડર વગર ફરી શકે છે. અહીંયા મોટી મોટી પાર્ટીઓ, એવોર્ડ સમારંભ અને અબજોપતિઓ રહેતા હોવાથી લાઈફસ્ટાઈલ જ જુદી છે.
લિસ્ટેન્સ્ટાઈન
સ્વિટ્ઝર્લૅન્ડ અને ઑસ્ટ્રિયા વચ્ચે આવેલો એક નાનો યુરોપિયન દેશ છે લિસ્ટેન્સ્ટાઈન. લિસ્ટેન્સ્ટાઈને 1868માં પોતાની સેનાને ખતમ કરી નાખી કારણ કે તેનો ખર્ચ ખૂબ વધારે હતો. જાણકારોના મતે તેને સેનાની ખાસ જરૂર લાગી નહીં તેથી તેણે સેના અટકાવી દીધી અને લોકોને અન્ય કામમાં જોતરી દીધા. મહત્ત્વની વાત એ છે કે, તેને સુરક્ષાની ચિંતા નથી કારણે કે તે ક્યારેય કોઈની સાથે વિવાદમાં પડતો નથી. જાણકારોના મતે લિસ્ટેન્સ્ટાઈને ક્યારેય કોઈ યુદ્ધમાં ભાગ લીધો જ નથી. તેણે પહેલેથી પોતાનું વલણ અને વાતાવરણ નક્કી કરેલું છે. તેણે પહેલા દિવસથી શાંતિના માર્ગ પર ચાલવાનું ચાલુ રાખ્યું છે અને તેના ઉપર જ ચાલતો રહ્યો છે. ખાસ વાત એવી છે કે, જો કટોકટીની સ્થિતિ આવે અને તેને સૈન્ય મદદની જરૂર હોય તો સ્વીટ્ઝર્લેન્ડ તેને મદદ કરે છે. આ દેશમાં સુરક્ષાના નામે થોડા જ રક્ષકો છે. અહીંયા તેની પોતાની સિક્યોરિટી ફોર્સ છે પણ તે દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. અહીંયા કાયદો અને વ્યવસ્થાને જોખમ આવે તેવા ખાસ કામ થતા પણ નથી.
એન્ડોરા
સ્પેન અને ફ્રાન્સની વચ્ચે સ્થિત એન્ડોરા પણ એક એવો જ શાંતિપ્રિય દેશ છે. એન્ડોરા પાસે પણ કાયમી સેના નથી. તેણે સુરક્ષા માટે અન્ય વ્યવસ્થા કરેલી છે. એન્ડોરકાની સુરક્ષાની જવાબદારી ફ્રાન્સ અને સ્પેન ઉપર છે. એન્ડોરાની વાત કરીએ તો, આ દેશ તેના પર્યટન, કુદરતી સૌંદર્ય અને શાંતિપૂર્ણ જીવનશૈલી માટે જાણીતો છે. લોકો અહીં શાંતિથી રહે છે અને ગુનાના બનાવો ખૂબ જ ઓછા બને છે. અહીંયા પોલીસની કામગીરી પણ ખૂબ જ ઓછી જોવા મળે છે. બીજા દેશો સાથેના અણબનાવ કે યુદ્ધની સ્થિતિ તો કલ્પના પણ કરી શકાય તેમ નથી. આ કુદરતી સૌંદર્યથી ભરેલો દેશ મોટાભાગે પર્યટકોથી ઉભરાતો રહે છે. અહીંયા ગુના થવાની કે અન્ય દેશ સાથે કોઈ ગેરસમજ થવાની કે પછી સરહદી વિવાદ અથવા અન્ય કોઈ મતભેદ થવાની શક્યતાઓ જ નથી.
આઈસલેન્ડ
આઇસલેન્ડ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત એક નાનો પણ ખૂબ જ સુંદર દેશ છે. આઇસલેન્ડ નાટોનો સભ્ય છે અને જો જરૂરી હોય તો અમેરિકા તેનું રક્ષણ કરવા તૈયાર છે. અહીં કાયદો અને વ્યવસ્થા એટલી મજબૂત છે અને નાગરિકો એટલા શિસ્તબદ્ધ છે કે ગુનાની ઘટનાઓ ખૂબ જ ઓછી બને છે. આ દેશ પાસે પોતાનું પોલીસતંત્ર છે પણ તેની પાસે પોતાની લશ્કરી સેના નથી. આ દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી સારી છે કે, મહિલાએ અડધી રાતે સરળતાથી હરીફરી શકે છે. તેનાથી પણ મોટી વાત એ છે કે, અહીંયા નાના બાળકો પણ જાતે રસ્તા ઉપર હરેફરે છે અને તેઓ એકલા શાળાએ જતા હોય છે. વર્લ્ડ પીસ ઇન્ડેક્સમાં આઇસલેન્ડ ટોચના દેશોમાં આવતો રહે છે. તે મોટાભાગે ટોચના સ્થાને અથવા તો ટોચના પાંચ દેશોમાં જ રહે છે.
પનામા
પનામા એક એવો દેશે છે જેણે પોતાની પાસે સેના હોવા છતાં તેનો અંત આણ્યો હતો. પનામાએ મજબૂરીમાં સૈન્યનો અંત આણવો પડ્યો હતો. વાત એવી છે કે, 1989માં અમેરિકા દ્વારા પનામા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ યુદ્ધમાં અમેરિકાનો વિજય થતાં તેણે પનામાની સરકારને પાડી દીધી અને પોતાને આધિન સરકાર રચાવી હતી. તે સમયે પનામાના સૈન્યનો પણ નાશ કરવામાં આવ્યો હતો. તે સમયથી સૈન્ય પોલીસ જવાનો અને વિશેષ સુરક્ષાદળોના આધારે રહે છે. પનામાએ અમેરિકા સાથે સુરક્ષા માટે કરાર કરેલા છે. તેના કારણે પનામા સાવ અસુરક્ષિત નથી. પનામા ઉપર કોઈ હુમલો કરે અથવા તો ભય ઊભો થાય તો કરાર પ્રમાણે અમેરિકા તેને સંરક્ષણ આપવા માટે બંધાયેલું છે. હાલમાં અમેરિકા જ પનામાની સુરક્ષા કરે છે.
કોસ્ટારિકા
કોસ્ટા રિકા પણ એવો દેશ છે જેના દ્વારા પોતાની સેના ડિસ્પર્સ કરી દેવાઈ છે. આ દેશમાં સૈન્ય નથી અને મોટા હથિયારો પણ નથી તેનું કારણ કંઈક અલગ જ છે. 1948માં કોસ્ટા રિકા દ્વારા પોતાની સેનાને ડિસ્પર્સ કરી દેવાઈ હતી. અહીંયાની સરકારને લાગ્યું હતું કે, અધધ રકમ સૈનિકો, હથિયારો અને યુદ્ધ ઉપર કરવાના બદલે તેનો ઉપયોગ શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ કરવાનું નક્કી કર્યું. તેના કારણે આજે કોસ્ટા રિકાનું નામ દુનિયાના શાંતિપૂર્ણ દેશોમાં લેવામાં આવે છે. અહીંયા કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસ અને કેટલાક વિશેષ સુરક્ષાદળો ઉપર છે. બાહ્ય હુમલા અથવા તો યુદ્ધ જેવી સ્થિતિમાં કોસ્ટારિકા અન્ય દેશો સાથે કરેલી સંધીનો ઉપયોગ કરે છે. તેણે ઘણા દેશો સાથે કરાર કરેલા છે જેઓ તેને બાહ્ય રક્ષણ પૂરું પાડે છે. હાલમાં અમેરિકા અને કોલમ્બિયા તેને સૈન્ય સેવાઓ પૂરી પાડે છે.
તુવાલુ
તુવાલુ એક એવો દેશ છે જ્યાં પણ સૈન્યની હાજરી નથી. આ દેશ પાસે સુરક્ષાદળો નથી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો આ ખૂબ જ નાનકડો દેશ છે. 2014માં ભારત પેસેફિક દ્વિપ સંગઠનમાં સમોઆ અને તુવાલુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2015માં જયપુર સંગઠનમાં 14 સભ્યોના બનેલા દેશમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 26 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા આ દેશની વસતી 10,000ની છે. રાષ્ટ્રકુલના આ સભ્ય દેશમાં સંસદીય રાજકીય તંત્ર છે. તેની પાસે સેના નથી. રાષ્ટ્રકુલ દ્વારા તેને સુરક્ષા પુરી પાડવામાં આવે છે. પોલીસ સેવા પણ ઓસ્ટ્રેલિયા દ્વાર પૂરી પાડવામાં આવી છે.
ડોમિનિકા
ડોમિનિકા દ્વારા 1981માં પોતાનું સૈન્ય રદ કરી દેવાયું હતું. તે સમયે સૈન્યમાં વિષમ ગતિવિધિઓ કરવામાં આવી રહી હતી તથા સ્થિતિ વણસે તેવા અણસાર આવી ગયા હતા. તેના પગલે સરકાર દ્વારા સૈન્ય રદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૈન્યને પોતાના દેશમાંથી દૂર કરી દેવાયું હતું. તે સમયથી ડોમિનિકાની સુરક્ષાની જવાબદારી પોલીસ ઉપર છે. તેઓ દેશમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી યોગ્ય રીતે કરે છે. આ ઉપરાંત કેરેબિયન રિજનલ સિક્રોરિટી સિસ્ટમમાં જોડાયેલા ડોમિનિકાની સુરક્ષાની જવાબદારી પણ આ સિસ્ટમે જ સ્વીકારે છે.
ગ્રેનાડા
અમેરિકા સાથેના સંઘર્ષથી કંટાળીને ગ્રેનાડા દ્વારા 1983માં સેનાને રદ કરી દેવાઈ. તમામ સૈનિકોને પોતાના દેશથી દૂર કરી દેવામાં આવ્યા. અહીંયા સૈન્ય રદ કરીને સુરક્ષા માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવી. ગ્રેનાડા દ્વારા રીજનલ સિક્યોરિટી સિસ્ટમ લાગુ કરવામાં આવી. તે દિવસથી આ ફોર્સને સુરક્ષા માટે ભેગી કરાઈ અને તેના દ્વારા જ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવામાં આવે છે. આ સિવાય બાહ્ય સેના માટે મોટા દેશો સાથે કરાર કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત કેરેબિયન રિજનલ સિક્રોરિટી સિસ્ટમમાં જોડાયેલા ગ્રેનાડાની સુરક્ષાની જવાબદારી પણ આ સિસ્ટમે જ સ્વીકારે છે.
મોરેશિયસ
મોરેશિયસ પણ એવો દેશ છે જેની પ્રજાને અને સરકારને સૈન્યની જરૂર જણાઈ નથી. તેમની પાસે કોઈ મોટી સેના કે યુદ્ધ સામગ્રી નથી. અહીંયા 10,000 પોલીસ કર્મચારીઓની એક ફોર્સ છે જેને પર્સનલ પોલીસ ફોર્સ કહેવાય છે. તેઓ જ દેશના આંતરિક અને બાહ્ય કાયદો અને વ્યવસ્થાની સારસંભાળ કરે છે. તેમના દ્વારા જ બધું તંત્ર જળવાયેલું છે. મોટાભાગે ભારત દ્વારા જ તેને સૈન્ય સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત તેની પાસે સ્પેશિયલ મોબાઈલ ફોર્સ છે જે કટોકટીમાં કામ લાગે તેમ છે.
હૈતી
હૈતી પણ એવો દેશ હતો જેમાં સૈન્ય દ્વારા થતા હુમલા સામાન્ય ઘટના હતી. અહીંયા અવારનવાર અન્ય દેશો દ્વારા અથવા તો સૈન્યના દુશ્મનો દ્વારા હુમલા કરવામાં આવતા હતા. તેના પગલે હૈતી દ્વારા 1995માં સૈન્ય બળ જ નષ્ટ કરી દેવામાં આવ્યું.