બુટલેગર હાથમાં ન આવ્યાં : સ્ટેટ મોનિટરિંગ સેલને કાર્યવાહી : સ્થાનિક પોલીસ અંધારામા
ખાસ-ખબર સંવાદદાતા
બાંટવા નજીક દારૂનું કટીંગ થતું હોવાની બાતમીનાં આધારે સ્ટેટ મોનીટરીંગ સેલનની ટીમે રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન 22.94 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પરંતુ દારૂ મંગાવનાર કે કટીંગ કરનાર કોઇ હાથમાં આવ્યું ન હતું. જૂનાગઢમાં શખ્સે દારૂ મંગાવ્યાનું બહાર આવ્યું હતું. આ દારૂ જનરેટની આડમાં લાવવામાં આવ્યો હતો.
બનાવની મળતી વિગત મુજબ ડીજીપીના વડપણ હેઠળ કાર્ય કરતા એસએમસીના પીઆઇ જે.એચ.દહીયાને ચોકકસ માહિતી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જે વાહનમાંથી દારૂ મળ્યો તેમાં મોટુ જનરેટરનું બોક્ષ બનાવવામાં આવ્યું હતું. બિલ્ટીમાં પણ જનરેટર લખવામાં આવ્યું હતું. વાહનમાં કોઇ પાછળથી જોવે તો જનરેટર જેવું બોક્ષ જ દેખાતું હતું. જેના લાકડાના દરવાજા પાછળ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. બાંટવા નજીકના ખારા ડેમ વિસ્તાર કે જે અવાવરૂ જેવો છે. ત્યાં માધરાત્રે અંગ્રેજી દારૂનું કટીંગ ચાલુ હતું,બરાબર ત્યારે જ એસએમસીની ટીમ ત્રાટકી હતી. જેથી દારૂ મંગાવનાર બુટલેગરો, ડ્રાઇવર વગેરે નસી ગયા હતા. સ્થળ પરથી જુદીજુદી બનાવટની અંગ્રેજી દારૂની 10045 બોટલ મળી આવી હતી.
- Advertisement -
જેની કિંમત રૂપિયા 22.94 લાખ ગણવામાં આવી હતી. આ ઉપરાંત રૂપિયા 11 લાખના બે વાહનો પણ મળી આવ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલનાં ધર્મેન્દ્રસિંહ વિજયસિંહએ સોનુ રાણબીરસીંગ જાટ, ધીરેન અમૃતલાલ કરીયા, લાખા રબારી,આઇસરનો ચાલક, અશોક લેલેન્ડ દોસ્તના ચાલક, લાલ કલરની બ્રેઝા કારના ચાલક અને સફેદ કલરની સ્વીફટના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.આ દારૂ ધીરેન કારીયા અને લાખા રબારીએ મંગાવ્યાનું સામે આવ્યું છે.હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.