સપ્ટેમ્બરની તુલનાએ ઑક્ટોબરમાં મિલકત વેચાણમાં ઘટાડો નોંધાયો
સૌથી વધુ મોરબી રોડ પર 1374 મિલકત અને સૌથી ઓછું પડધરીમાં 201 મિલ્કતનું વેચાણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર અને જિલ્લામાં પ્રકાશ પર્વ દિવાળીના તહેવારોને કારણે ઑક્ટોબર દરમિયાન મિલકતોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આના પરિણામે, જિલ્લાની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની સંખ્યામાં 2152 દસ્તાવેજનો ઘટાડો નોંધાયો છે, જેનાથી રાજ્ય સરકારની આવકને મોટો ફટકો પડ્યો છે. સપ્ટેમ્બરની તુલનાએ ઑક્ટોબર 2025માં દસ્તાવેજ રજીસ્ટ્રેશનની આવકમાં રૂ.17.23 કરોડનું મોટું ગાબડું પડ્યું છે. આ ઘટાડો દર્શાવે છે કે દિવાળીના તહેવારો અને વેકેશનના સમય દરમિયાન લોકો મિલકતની લે-વેચની પ્રક્રિયાઓને ટાળે છે. જેની અસર સરકારી તિજોરી પર થાય છે. સત્તાવાર આંકડાઓ મુજબ સપ્ટેમ્બર 2025, દરમિયાન રાજકોટ જિલ્લામાં 13,020 મિલકતોના દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં થયું હતું. તેની સરખામણીમાં, ઑક્ટોબરમાં માત્ર 10,868 દસ્તાવેજનું રજીસ્ટ્રેશન નોંધાયું છે. દસ્તાવેજ નોંધણીમાં થયેલા આ ઘટાડાની સીધી અસર સરકારની આવક પર પડી છે. સપ્ટેમ્બર દરમિયાન આ દસ્તાવેજોના રજીસ્ટ્રેશન દ્વારા સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને ફી પેટે રૂ.79,13,22,023ની આવક થઈ હતી. જોકે ઑક્ટોબરમાં દસ્તાવેજોના રજીસ્ટ્રેશનની સંખ્યા ઘટીને 10,868 થતાં, સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને ફીની રકમ મળીને રૂ.61,89,52,506 ની આવક થઈ છે.
દિવાળીની અસર છતાં, રાજકોટ શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મિલકતોનું ખરીદ-વેચાણ યથાવત રહ્યું છે. રાજકોટ શહેરની વાત કરીએ તો, મિલકતોના ખરીદ-વેચાણમાં દર વખતની જેમ મોરબી રોડ વિસ્તાર ’એવરગ્રીન’ રહ્યો છે. મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 1374 મિલકતોનું વેચાણ થયું છે. જ્યારે બીજા ક્રમે મવડી વિસ્તારમાં 1124 મિલકતો અને ત્રીજા ક્રમે ગોંડલ ખાતે 911 મિલ્કતોનું ખરીદ-વેચાણ થયું છે. આ સિવાય અન્ય સ્થળોએ 889 કે તેનાથી ઓછી મિલ્કતોનું વેચાણ થયું હતું. સૌથી ઓછું પડધરીમાં માત્ર 201 મિલ્કતોનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 1374 મિલકતોનું વેચાણ થયું છે, જ્યારે જિલ્લાના પડધરી અને ઉપલેટા જેવા વિસ્તારોમાં સૌથી ઓછા અનુક્રમે 201 અને 342 સોદા નોંધાયા છે.
આ આંકડા દર્શાવે છે કે તહેવારોની સિઝનમાં પણ, વિકાસશીલ વિસ્તારો અને મુખ્ય માર્ગો પરની મિલકતોમાં રોકાણકારો રસ લઈ રહ્યા છે, જોકે એકંદરે જોઈએ તો જિલ્લાની દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો જોવા મળ્યો છે. જેને લઈ સરકારની આવકમાં ઘટાડો નોંધાયો છે
રાજકોટ જિલ્લામાં વિસ્તાર વાઇઝ વેચાણની વિગતો
મોરબી રોડ 1374
મવડી વિસ્તાર 1124
ગોંડલ 911
રૈયા 889
રતનપર 834
કોઠારીયા 751
મવા 619
રાજકોટ રૂરલ 603
જેતપુર 548
ઉપલેટા 342
પડધરી 201
- Advertisement -



