મોરબીનો વિદ્યાર્થી જયદેવ ભાલોડિયા સેન્ટર ફર્સ્ટ
દેશના ટોપ-થ્રીમાં મુંબઇનો મીત શાહ પ્રથમ, જયપુરનો અક્ષત ગોયલ દ્વિતિય અને સુરતની વિદ્યાર્થિની શ્રૃષ્ટિ સંઘવી તૃતીય સ્થાને ઉત્તીર્ણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચાર્ટડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરિક્ષાનું પરિણામ આજ રોજ ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 12.59 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. નવા કોર્સનાં પરિણામમાં મુંબઇનો મીત શાહ 642 ગુણ સામે દેશભરમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયો હતો. રાજકોટમાં બન્ને ગ્રુપમાં નવા કોર્સમાં 228માંથી 21 ઉમેદવારો ઉતીર્ણ થયા હતા.
ચાર્ટડ એકાઉન્ટન્ટની અઘરી ગણાતી પરીક્ષાનું પરિણામ ગત વર્ષ કરતા આ વર્ષે સારૂં આવ્યું હોવાનું રાજકોટ સેન્ટરના હોદ્દેદારોએ જણાવી કહ્યું હતું કે મોરબીનો વિદ્યાર્થી જયદેવ ભાલોડિયા 532 ગુણ સાથે રાજકોટ સેન્ટરમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયો છે. રાજકોટ સેન્ટરમાંથી બન્ને ગ્રુપમાં 228 જ્યારે ગ્રુપ – 1માંથી 403 અને ગ્રુપ- 2માંથી 289 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં ગ્રુપ-1માં 65 અને ગ્રુપ-2માં 43વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા.
દેશમાં ટોપ થ્રી રેન્કમાં ઉતીર્ણ ઉમેદવારોમાં સુરતની શ્રૂષ્ટિ સંઘવી 611 ગુણ સાથે ત્રીજા ક્રમાંકે જ્યારે જયપુરનાં અક્ષત ગોયલ 639 ગુણ સાથે બીજા ક્રમે ઉતીર્ણ થયો છે. જ્યારે રાજકોટ સેન્ટરમાં 523 ગુણ સાથે વિરલ પંચાસરા બીજા ક્રમે અને નંદન જાની 495 ગુણ સાથે ત્રીજા ક્રમે ઉતીર્ણ થયો છે. દેશમાં સીએની પરીક્ષાના પ્રથમ ગ્રુપમાં 21.99 ટકા અને ગ્રુપ – 2માં 21.94 ટકા ઉમેદવારો પાસ થાય હોવાનું જણાવાયું હતું.