નવા જંત્રી દર લાગુ થયા પૂર્વે જ કાર્યવાહી પૂર્ણ કરવા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતનો નિર્દેશ: જમીન જંત્રી દરના 25-50 ટકાના ભાવે ઓફર કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વધુ ધમધમતો કરવા માટે ઉદ્યોગ વિભાગ દ્વારા આગામી સમયમાં રાજયમાં નવી 21 જીઆઇડીસીનો પ્રારંભ કરવામાં આવશે. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના કહેવા મુજબ નવી જીઆઇડીસીની સ્થાપનામાં જે તે જિલ્લાના એવા સ્થળ પસંદ કરવામાં આવ્યા છે, જેના કારણે રાજયના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે તે સાથે નવા વિસ્તારોમાં જીઆઇડીસી શરૂ થવાના કારણે સ્થાનિક ઉદ્યોગોને નજીકમાં જ અદ્યતન સુવિધા સાથેની વસાહત મળશે તેના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે.
ઉદ્યોગ વિભાગ દ્વારા લાંબા સમયથી નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તેને આખરી ઓપ આપી દેવાયો છે. નવી જંત્રીના દર લાગુ પડે તે પૂર્વે 21 પૈકી, જે જીઆઇડીસીમાં જમીન સંપાદન કરવાની બાકી છે. તેમાં ઝડપથી સરકારી પડતર જમીન ઉદ્યોગ વિભાગ દ્વારા ચલણ ભરીને જંત્રીના ભાવે ખરીદવામાં આવશે. તે પછી તેમાં રોડ-રસ્તા, વીજળી, ડ્રેનેજની સુવિધા અને પ્લોટીંગ સાથે માળખું તૈયાર કરીને જે તે ઉદ્યોગકારોને પ્લગ એન્ડ પ્લે તરીકે ઓફર કરાશે.
ઉદ્યોગકારોને આ પ્લોટ વિકસીત વિસ્તાર હોય તો જંત્રીના ભાવના 50 ટકા, મધ્યમ વિકસીત હોય તો જંત્રીના ભાવના 25 ટકા અને અલ્પવિકસિત હોય તો જંત્રીના દર પ્રમાણે જ ઓફર કરવાની પ્રક્રિયા અંગે ટુંક સમયમાં આખરી નિર્ણય લેવાશે. ઉદ્યોગ વિભાગ દ્વારા નવી વસાહતો જાહેર કરાઇ છે તેના સર્વે નંબર પ્રમાણે સ્થળ નકકી કરાયું છે પરંતુ તે તાલુકા અને જિલ્લામાંથી મહતમ કનેકિટીવીટી ધરાવતું હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
ઉદ્યોગ મંત્રી રાજપૂતના કહેવા મુજબ સરકારની પ્રોત્સાહન નીતિના કારણે સ્થાનિક સ્તરે નવા ઉદ્યોગોને વિકસવાની તક મળી રહી છે. વિવિધ જિલ્લાના કેટલાક નવા તાલુકાનો પણ સમાવેશ કરાયો છે જયાં નવી વસાહતની સ્થાપન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં હાલ કુલ 239 જેટલી જીઆઇડીસી છે. જેમાં 70 હજાર કરતા વધુ રોકાણકારો છે. લાંબા સમયથી નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની માંગણી પણ સ્થાનિક ઉદ્યોગકારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરાઇ રહી હતી. 21 નવી જીઆઇડીસી શરૂ કરવાની કામગીરી ફાઇનલ કરી દેવાઇ છે.
- Advertisement -
2025માં નવી ઔદ્યોગિક સ્ટાર્ટઅપ નીતિ
2026ની વાઈબ્રન્ટ સમિટ પૂર્વે જ લાગુ કરવાની તૈયારી
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ હવે 2026 માં યોજાવાની છે તે પૂર્વે નવી ઔદ્યોગીક તથા સ્ટાર્ટઅપ નીતિ ઘડવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. 2025 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.
રાજય સરકારના સુત્રોએ જણાવ્યુ હતું કે વર્તમાન ઔદ્યોગીક નીતિની મુદત 2025 માં પૂર્ણ થઈ રહી છે નવી નીતિ માટે મુસદો તૈયાર કરવામાં આવી રહ્યો છે. અન્ય રાજયોની નીતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. તુર્તમાં ઉદ્યોગકારો સાથે મસલતો શરૂ કરાશે. ઉદ્યોગની સાથોસાથ નવી સ્ટાર્ટઅપ નીતિ પણ ઘડવામાં આવશે. સુત્રોના કહેવા પ્રમાણે નવી ઔદ્યોગીક નીતિમાં ઉદ્યોગોને વધુ નાણાકીય લાભ અને છુટછાટો આપવામાં આવે તેવી શકયતા છે. રોજગારી વધારવા પર પણ ફોકસ હશે.
ક્યા-ક્યા સ્થળે નવી GIDC બનશે?
બનાસકાંઠા-અલીગઢ, બનાસકાંઠા-યાવરપુર, બનાસકાંઠા-દૂધવા, મહેસાણા-મલેકપુર, પાટણ-પુનાસણ, ગાંધીનગર- કડજોદરા, અમરેલી-સામપાદર, જૂનાગઢ-ગળોદર, ભરૂચ-ભીમપુરા, પાટણ-માનપુરા, બનાસકાંઠા-લવાણા, જૂનાગઢ- માળીયા હાટીના, મહેસાણા-નાની ભલુ, મહેસાણા-જોટાણા, ગીર સોમનાથ-નવા બંદર, રાજકોટ-વિંછીયા, છોટાઉદેપુર-લઢોદ, ખેડા-જેસપુરા-મીઠાપુરા, આણંદ-કહાનવાડી, મહીસાગર-બાલાસિનોર, ખેડા-મહુધા.