ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યમાં આ વર્ષે ચોમેર મેઘમહેર થઇ છે. રાજ્યભરમાં વરસાદના લીધે મોટાભાગના ડેમોમાં પાણી આવક વધી છે. ત્યારે કડાણા ડેમના 21 દરવાજા ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના નદી મહીસાગર નહી બે કાંઠે વહેતી જોવા મળી છે, જેના લીધે નદી કિનારે આવેલા 5 જિલ્લાના 235 ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ગત રાત્રે 3 લાખ ક્યુસેક વધુ પાણી છોડવામાં આવ્યું હોવાથી આસપાસના વિસ્તારમાં નદી કાંઠે આવેલા 5 જિલ્લાના 235 ગામોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. પાણી પ્રવાહ વધુ હોવાથી પુલના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતી હોવાથી તંત્રને કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવાની ફરજ પડી છે. હાલમાં ડેમનું લેવલ 417 ફૂટ 5 ઇંચ પહોંચ્યું છે. જેથી ખેડા વડોદરાનો જોડતો ગળતેશ્ર્વર-ડેસર બ્રિજ પણ બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત તલાટીઓ, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (11મી સપ્ટેમ્બર) સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6થી 10 વગ્યા સુધીમાં ધાનેરામાં 3.23 ઈંચ, ધનસુરામાં 1.57 ઈંચ, મહેસાણામાં 1.42 ઈંચ, શહેરા, વાલિયા અને મોરવા (હડફ)માં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 48 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
- Advertisement -
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (11મી સપ્ટેમ્બર) અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 12મીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી,નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદ પડી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
બપોર સુધીમાં 63 તાલુકામાં મેઘમહેર, ધાનેરામાં 3 ઈંચ વરસાદ
આજે ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ધાનેરામાં 3.23 ઈંચ, ધનસુરામાં 1.57 ઈંચ, મહેસાણામાં 1.42 ઈંચ, શહેરા, વાલિયા અને મોરવા (હડફ)માં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 48 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં સવારે 6 થી 10 દરમિયાન ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ધાનેરાના ઉમિયાનગર, કૈલાશનગર સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.