બદલીનો મામલો ગૂંચવાતાં ભરતીમાં જિલ્લા પસંદગીનું સ્ટેપ 9 મહિને આવ્યું
રાજ્યના 18 જિલ્લાઓમાં જ નવા વિદ્યાસહાયકોને નિમણૂકો અપાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાસહાયકની ભરતી અન્વયે જિલ્લા પસંદગી માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 માટે કુલ 2600 જગ્યા માટે ફાઈનલ મેરિટમાં સમાવાયેલા ઉમેદવારો તા.20થી 24 જુલાઈ દરમિયાન જિલ્લા પસંદગી કરી શકશે. આ વિદ્યાસહાયકોની નિમણૂંક રાજ્યનાં નક્કી કરાયેલા 18 જિલ્લાઓમાં આપવામાં આવશે, જ્યાં ઘણા સમયથી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5માં ઘટની 39 અને સામાન્યની 961 તેમજ ધોરણ 6થી 8માં ઘટની 637 અને સામાન્યની 963 મળી કુલ 2600 જગ્યા પર વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. આ ભરતીની જાહેરાત ગત 10 ઓક્ટોબર-2022ના રોજ આપવામાં આવી હતી. તમામ જગ્યાઓ પરનું ફાઈનલ મેરિટ ઘણા સમયથી તૈયાર થઈ ગયું હતું પરંતુ બદલી કેમ્પનો મામલો હાઈકોર્ટમાં પહોચતાં ભરતી પ્રક્રિયા પણ અટકી પડી હતી. કોર્ટના ચુકાદા બાદ શિક્ષણ વિભાગે બદલીના નિયમોમાં ક્રમશ: ત્રણેક વખત સુધારા કર્યાં બાદ જિલ્લા આંતરિક બદલી કેમ્પ શરૂ કરાયો હતો અને હાલમાં તેના બીજા તબક્કાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા 2600 વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા પણ આગળ વધારતાં જિલ્લા પસંદગીની તારીખો જાહેર કરાઈ છે. નવા વિદ્યાસહાયકોની નિમણૂક પહેલા જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ કરવામાં આવશે તેવું શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. નવી ભરતીમાં જિલ્લા પસંદગી બાદ શાળા પસંદગીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
મહત્ત્વની વાત એ છે કે, નવી ભરતીના વિદ્યાસહાયકોને જે જિલ્લાની જે શાળાઓમાં નિમણૂકો આપવાની છે તેની કામચલાઉ યાદી પણ તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે, રાજ્યનાં અંતરિયાળ જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં અન્ય જિલ્લાઓની સરખામણીએ વધુ જગ્યાઓ ખાલી પડી હોવાનું જાણવા મળ્યું છે.