250 ડ્રાઇવર- કંડકટરની ઘટ: ઞઙઈં પેમેન્ટથી ટિકિટની સુવિધા શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
સલામત સવારી ગણાતી એસટી ટોપ ગિયરમાં છે. રાજકોટ જઝ વિભાગને છેલ્લા એક વર્ષમાં રૂપિયા 208 કરોડની આવક થઈ છે. ચાર નવા બસ સ્ટેશનનું નિર્માણકાર્ય ચાલી રહ્યુ છે. તો રાજકોટ શહેરની ગોંડલ ચોકડીએ પિકઅપ સ્ટેન્ડના નિર્માણ માટે મંજૂરી મળી ગઈ છે. જ્યારે ચાલુ વર્ષ દરમિયાન રાજકોટ એસટી વિભાગને 116 નવી બસો મળતા મુસાફરો માટે હાલના રૂટ પર ફ્રિકવન્સી વધશે તો નવા રૂટ પણ શરૂ થશે. આ સાથે જ રાજકોટ એસટી વિભાગની તમામ 550 બસોમાં ઞઙઈં પેમેન્ટથી ટિકિટની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યુ હતું કે, રાજકોટ એસટી ડિવિઝનને વર્ષ 2022માં રૂ.168 કરોડની આવક થઈ હતી. જેની તુલનામાં વર્ષ 2023 માં રૂ.208 કરોડની આવક થઈ છે. એટલે કે એક વર્ષમાં આવકમાં રૂપિયા 40 કરોડનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત એસટી વિભાગને ગત વર્ષે 70 નવી બસો મળી હતી. જેની તુલનામાં આ વર્ષે 116 નવી બસો મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ એસટી ડિવિઝન હેઠળ આવતાં લોધિકા, થાન અને આટકોટ ઉપરાંત ચોટીલા હાઈવે પર નવું બસ સ્ટેશન નિર્માણ પામી રહ્યુ છે. જેનો ફાયદો મુસાફરોને થશે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં ભાવનગર રોડ પર સેટેલાઈટ બસ સ્ટેશન છે. માધાપર ચોકડીએ બસ સ્ટેશનનું કામ ગતિમાં છે અને ગ્રીન લેન્ડ ચોકડી પાસે પિકઅપ સ્ટેન્ડ છે. તો ગોંડલ રોડ વર્કશોપની જગ્યા ઉપર નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની મંજૂરી માંગવામાં આવી છે.
જમીન ફાળવણી થઈ ગઈ છે. જ્યાં મુસાફરોને બેસવા માટે બેન્ચીઝ, ઈન્કવાયરી વિન્ડો સહિતની સુવિધા હશે. જે પિકઅપ સ્ટેન્ડ અંદાજે 6 માસમાં શરૂ થઈ જશે. વધુમાં એસટીના વિભાગીય નિયામક કલોતરાએ જણાવ્યું હતું કે, રાજકોટ એસટી વિભાગની તમામ 550 બસોમાં ઞઙઈં પેમેન્ટથી ટિકિટની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. ઓકટોબર માસના અંતમાં શરૂ થયેલી આ સુવિધાને 2 માસમાં સારો પ્રતિસાદ મળ્યો છે. ઞઙઈં પેમેન્ટથી ટિકિટ બદલ રૂ.1,64,93,579ની આવક થઈ છે. વધુમાં વઘુ લોકો ઓનલાઇન પેમેન્ટ કરી ટિકિટ મેળવે તો ડિજિટલાઈઝેશનને વેગ મળશે.
- Advertisement -
રાજકોટ એસટી વિભાગમાં 103 ડ્રાઇવર અને 147 કંડકટરની ઘટ
કલોતરાએ અંતમાં જણાવ્યુ હતું કે, રાજકોટ એસટી વિભાગમાં હાલ ડ્રાઈવર અને કંડકટરમાં 12% જેટલી જ ઘટ છે. હાલ ડિવિઝનમાં 900 ડ્રાઈવર છે. જ્યારે 103 ડ્રાઇવરની ઘટ છે. જ્યારે હાલ 919 કંડકટર છે અને 147 કંડકટરની જગ્યા હાલ ખાલી છે. ડ્રાઈવર- કંડકટરની ખાલી જગ્યાઓ પર ભરતી થઈ જાય તો હાલ ફરજ બજાવતા ડ્રાઈવર- કંડકટરને ઓવરટાઇમમાંથી પણ મુક્તિ મળે તેમ છે.