હજુ 7000 વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન વિલેજ બનાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ જ્યારે વિકાસના નામે હજારો વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે,ત્યારે વંથલી તાલુકાના નાના એવા ધણફૂલિયા ગામે ગ્રામજનોએ 2000 જેટલા વૃક્ષો વાવી લોકોને રાહ ચીંધી છે. ધણફૂલિયા ગ્રામ પંચાયતના સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, ચાર માસ અગાઉ ગામ લોકોના સહકારથી ગામમાં પ્રવેશથી લઈ ગામની ફરતે તેમજ સીતારામ નગર,દરવાહ તરફ તેમજ અનેક જગ્યાએ અલગ અલગ પ્રકારના 2000 જેટલા વૃક્ષોનું કોઈ નુકસાન ન થાય તે રીતે પાકી ફેનીસિંગથી વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ તેની જાળવણી માટે પંચાયતના ટેન્કર દ્વારા દર અઠવાડિયે વૃક્ષોને પાણી પીવડાવવામાં આવે છે.આગામી સમયમાં ગામની શેરીઓમાં તેમજ જેના ઘરની અંદર રહી શકે તેવા ફ્રૂટના રોપાનું ઘરેઘરે જઈ વિતરણ કરવામાં આવશે.તેમજ ગામની પડેલ ખરાબાની જમીન વ્યવસ્થિત ભરતી કરી તેમાં 7000 જેટલા એલોવેરા, તુલસી,લીમડો જેવા વૃક્ષો વાવી એક ઔષધીવનનું નિર્માણ કરી ગામને ગ્રીન વિલેજ બનાવવામાં આવશે. વધુમાં ગામના સરપંચ નયનાબેન ચાવડા અને ઉપસરપંચ ભૂરાભાઈ કરમટાએ જણાવ્યું હતું કે,ગામમાં અનેક વિકાસકામો થઈ રહ્યા છે.આગામી સમયમાં પ્રાથમિક શાળાનું નવનિર્માણ તેમજ સમગ્ર ગામને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન લગાવવામાં આવશે. જે માત્ર 5 રૂપિયામાં 20 લિટર પાણી પંચાયત દ્વારા ઘેરઘેર પહોંચડવામાં આવશે અને ટૂંક સમયમાં ગામને 24 કલાક પાણી મળી રહે તે માટેની કામગીરી કરાશે.માત્ર વંથલી નહિ પણ જૂનાગઢ જિલ્લામાં ધણફૂલિયા ગામ વિકાસમાં નંબર 1 બને તેવી નેમ છે.