ભાજપને મોટો ફટકો: સ્થાનિક ધારાસભ્યની નીતિ-રીતિથી નારાજ થઈ સામૂહિક પક્ષપલટો: રોડ-રસ્તા અને કેનાલના પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
મોરબી જિલ્લાના આંદરણા ગામમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ગામના સરપંચ, ઉપસરપંચ સહિતના આગેવાનો અને 200 જેટલા યુવાનોએ ભાજપ છોડીને આમ આદમી પાર્ટી (અઅઙ)નો ખેસ ધારણ કર્યો છે. સ્થાનિક ભાજપના ધારાસભ્યની નીતિરીતિ અને ગામના વિકાસના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આ સામૂહિક પક્ષપલટો કરવામાં આવ્યો છે.
આંદરણા ગામે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા યોજાયેલી સભામાં સરપંચ નિતેશભાઈ ચાવડા અને ઉપસરપંચ અનિલભાઈ મારવાણીયાની આગેવાની હેઠળ આ પક્ષપલટો થયો હતો. આ પ્રસંગે AAPના ગુજરાત પ્રદેશના આગેવાન કે.ડી. બાવરવા અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, કેનાલની જમીનની કપાત, રોડ-રસ્તાની સમસ્યાઓ અને ગામનું તળાવ ભરવા સહિતના અનેક પ્રશ્નો અંગે ભાજપના ધારાસભ્યને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી એક પણ કામ થયું નથી. ભાજપના આગેવાનોની કાર્યપદ્ધતિથી નારાજ થઈને ગામના હિતમાં આ નિર્ણય લેવાયો હતો.



