આરોગ્ય વિભાગ,કલેકટર કચેરી અને પાલિકા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો, તપાસ હાથ ધરી
આગામી દિવસોમાં આસપાસની હોસ્પિટલોને નોટિસ આપવામાં આવશે: તાલુકા હેલ્થ ઓફિસર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
ગીર સોમનાથ જિલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ હોવા છતાં પણ ઘણાં ડોક્ટર્સ જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ એટલે જૈવિક કચરાનો નિકાલ કરે છે.જેના પગલે એક જાગૃત નાગરિકે કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી.જેના પગલે જિલ્લા કલેકટર કચેરીથી સૂચના થતા નાયબ મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર સહિત પાલિકાનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
વેરાવળના એસટી રોડ પર જૈવિક કચરો ઠાલવવામાં આવ્યો હોવાની જાણ કલેકટર કચેરીથી થતા નાયબ મામલતદાર,તાલુકા હેલ્થ ઓફિસર અને પાલિકાનો સ્ટાફ દોડી આવ્યો હતો અને સ્થળ પર પહોચ્યા તો સિરીંજ સેટ, ઇન્જેક્શન આઈસ પેક સહિત અંદાજે 20 થી 25 કિલો જેટલો જૈવિક કચરો મળી આવતા તંત્રએ તપાસ હાથ ધરી હતી અને તમામ જથ્થો જપ્ત કર્યો હતો તેમજ આગામી દિવસોમાં નજીકની હોસ્પિટલને નોટિસ આપવામાં આવશે તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.નોંધનીય છે કે,ગીર સોમનાથ જિલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં ડોક્ટર્સ ખુલ્લેઆમ આ કચરો ફેકે છે જેથી અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે આરોગ્ય તંત્ર પણ કોઈ નક્કર કામગીરી કરતું તેવો લોકોમાં સુર ઉઠતો જોવા મળી રહ્યો છે.
બાયોમેડિકલ વેસ્ટ બાબતે નિયમિત તપાસનો આરોગ્ય અધિકારીનો દાવો
તાલુકા આરોગ્ય અધિકારીને બાયોમેડિકલ વેસ્ટ બાબતે હોસ્પિટલો અમલવારી કરે છે કે કેમ તેમની તપાસ કરવામાં આવે છે કે કેમ તે બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમારા દ્વારા નિયમિત ચકાસણી કરવામાં આવે છે. દર અઠવાડિયે ચેકીંગ કરી સૂચનાઓ આપવામાં આવે છે તો બીજો તરફ એ પણ સવાલ થાય છે કે નિયમિત તપાસ થતી હોવા છતાં પણ આ જથ્થો કેમ મળી આવ્યો અને આજે તમામ હોસ્પિટલ કેમ નિયમો અનુસરતી નથી !
- Advertisement -
જૈવિક કચરો કોણે ફેક્યો તે દિશામાં તપાસ ચાલુ
કલેકટર કચેરીએથી સૂચના થતા તાલુકા હેલ્થ ઓફિસર,મેડિકલ ઓફિસર,નગરપાલિકા અને કલેકટર કચેરીનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જૈવિક કચરો કબ્જે કરી કોણે ફેક્યો છે અથવા તો કંઈ હોસ્પિટલમાંથી ફેંકવામાં આવ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. વિક્રમ દેસાઈ (નાયબ મામલતદાર)
નજીકની હોસ્પિટલોને નોટિસ પાઠવાશે
વેરાવળના એસટી રોડ પર બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવતો હોવાની જાણ થતાં તપાસ હાથ ધરી છે.અંદાજે 20 થી 25 કિલો જૈવિક જથ્થો મળી આવ્યો છે.જિલ્લા આરોગ્ય અધિકારીને રિપોર્ટ આપી નજીકની હોસ્પિટલોને નોટિસ પાઠવાશે. ડો. એ.બી.ચૌધરી (તાલુકા હેલ્થ ઓફિસર-વેરાવળ )