વીજતંત્રની ઘોર બેદરકારીનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના ચુંપણી ગામની સીમમાં માલઢોર ચરાવવા ગયેલા બે માલધારીઓની ગાયો ભેંસ ઉપર જીવતો વીજ વાયર પડતા 15 ભેંસો અને પાંચ ગાયોના કમકમાટીભર્યા મૃત્યું નીપજ્યા હતા. આ ઘટનાને લઈને માલધારી પરીવારની રોજીરોટી ઉપર અણધારી આફત આવી પડી છે તો બીજી તરફ આ ઘટના બનવા પાછળ વીજતંત્રની ઘોર બેદરકારી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હળવદ તાલુકાના ચુંપણી ગામના વશરામભાઇ ભવાનભાઈ ભરવાડ અને મુન્નાભાઈ કલાભાઇ ભરવાડ આજે પોતાના માલઢોરને ચરાવવા માટે સીમ વિસ્તારમાં નીકળ્યા હતા ત્યારે મુળી તાલુકાના રામપરા નજીક સીમમાં અચાનક જ અગીયાર કીલો વોટ વીજભાર વહન કરતી વીજલાઇનનો જીવતો તાર તૂટીને ગાયો ભેંસો ઉપર પડતા 15 ભેંસો અને પાંચ ગાયોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનાને લઈને ગામના માલધારી પરીવારો સહિતના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા.

- Advertisement -
મેન્ટેનન્સ માટે આવેલો વાયર બારોબાર વેચાઈ ગયો: ખેડૂતનો આરોપ
આ ઘટનાને લઈને અજીતસિંહ કનુભા નામના ખેડૂતે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, હજુ ત્રણ દિવસ પહેલા વાયર તૂટવાથી એક ગાયનું મૃત્યુ થયું હતું. આ કેબલનું મેન્ટેનન્સ કામ કરવા વીજતંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ જીઈબીના મળતીયાઓએ આ કામ પૂર્ણ કર્યું નથી અને જુના વાયરો જ હજુ ચલાવે છે. આ વીજલાઈન આશરે ત્રીસેક વર્ષ જૂની છે અને તેના મેન્ટેનન્સનો વાયર જે આવ્યો હતો તે બારોબાર વેચાઈ ગયો છે. અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી અને એક પછી એક દિવસની ખો આપે છે.



