સેફ્ટી સાધનો વિના ગટરમાં ઉતરતા કરુણાંતિકા સર્જાઇ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
પાટડી શહેરમાં ગઇકાલે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન બે કર્મચારીઓના ગેસ ગળતરને કારણે મૃત્યુ થયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો વિના ભૂગર્ભ ગટરમાં કામ કરવા મોકલવામાં આવ્યા હતા. ગટરમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે બંને કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેઓ બેભાન થઈ ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું.
- Advertisement -
મૃતકોના પરિવારજનોએ આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે સખત કાર્યવાહીની માંગ કરી છે. તેમની માંગ છે કે આ કેસમાં સાપરાધ મનુષ્યવધ હેઠળ ઋઈંછ નોંધવામાં આવે. સ્થાનિક પોલીસે ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ એકવાર ફરી સફાઈ કર્મચારીઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચાનો વિષય બનાવ્યો છે. સ્થાનિક ગૠઘઓ અને સામાજિક કાર્યકરોએ સફાઈ કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો પૂરા પાડવાની અને તેમના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
પૂર્વ ધારાસભ્ય નૌશાદ સૌલંકીએ જણાવ્યું કે, આજે પાટડીમાં બે યુવકોના સફાઈ કામ કરતી વખતે મોત થયા છે. પાણીના સંપ અંદર ઉતરીને કામ કરવા જતા ગુંગળાઈને મોત થયા છે. હુ સરકાર પાસે માંગણી કરૂ છું કે, મૃતકોને રૂ.10-10 લાખની સહાય કરવામાં આવે અને એના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે. સરકારે અનેક વખત કીધુ છે કે, ગુજરાતમાં મેન્યુલ સ્કેવેન્જીંગ બંધ થઈ ગયુ છે. પરંતુ એ વાત ખોટી છે. આ બનાવમાં મંગળવારે સવારે કુંડી સાફ કરવા ઉતરેલો 18 વર્ષના ચિરાગ પાટડીયા ગુંગળાઈને બેભાન થઇ જતા એને બચાવવા જતા કુંડીમાં ઉતરેલો 24 વર્ષનો જયેશ પાટડીયા પણ ગુંગળાઈને ઢળી પડ્યો હતો. અને બંને આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પાટડી નગરપાલિકામા સફાઈ કામદાર તરીકે કામ કરતા ભરતભાઈ પાટડીયાના 24 વર્ષના પુત્ર જયેશ પાટડીયાના તો છ માસ અગાઉ જ લગ્ન થયા હતા. અને મંગળવારે ગેસ ગળતરથી એનું મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અને બંને મૃતકોના પરિવારજનોની રોકકળ અને આક્રન્દથી વાતાવરણમા ગમગીની છવાઈ જવા પામી હતી.



