ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. મોરબી તાલુકામાં 2 ઇંચ અને ટંકારા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય ત્રણ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ થયો છે. આ અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓની જેમ મોરબી જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે. સોમવારે બપોરથી મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા, જેના કારણે કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે.
મોરબીના શનાળા રોડ, રવાપર રોડ, આવની ચોકડી, ઉમિયા સર્કલ અને ત્રાજપર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. રાત્રિ દરમિયાન અને આજે સવારથી પણ જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે અને આકાશમાં કાળા વાદળો છવાયેલા છે.
- Advertisement -
ચોમાસાની વિદાય બાદ અચાનક આવેલા આ વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા ખેડૂતોનો તૈયાર પાક હજુ ખેતરમાંથી ઉપાડાયો નથી, અને જે ખેડૂતોએ પાક ઉપાડી લીધો છે તેમનો માલ હજુ વેચાયો નથી. આ સ્થિતિમાં પાકને નુકસાન થવાની પૂરી સંભાવના છે. ઉપરાંત, ચોમાસુ લંબાવાને કારણે શિયાળુ પાકના વાવેતર અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં મોરબી તાલુકામાં 50 મિ.મી., ટંકારા તાલુકામાં 36 મિ.મી., માળિયા તાલુકામાં 9 મિ.મી., વાંકાનેર તાલુકામાં 10 મિ.મી. અને હળવદમાં 4 મિ.મી. વરસાદ નોંધાયો છે. આજે પણ જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદની શક્યતા છે. શિયાળાની ઋતુમાં વરસાદ પડવાને કારણે લોકો સ્વેટર પહેરવું કે રેઈનકોટ, તે અંગે દ્વિધામાં છે.



