સમયસર ફાયર વિભાગ પહોંચ્યો, 6 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.1
વેરાવળ બંદર વિસ્તારમાં ગતરાત્રીના રીપેરીંગ માટે પાર્ક કરાયેલી ફિશિંગ બોટમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગની ઘટનામાં બે ફિશિંગ બોટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. જ્યારે અન્ય છ ફિશિંગ બોટને સમય સૂચકતા વાપરી બચાવી લેવામાં સફળતા મળી હતી. વેરાવળ ફાયર સ્ટાફે છ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટના અંગે વિગતો આપતા વેરાવળ ફાયર સ્ટેશનના અધિકારી રવીરાજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ગતરાત્રીના અંદાજે 2 : 15 વાગ્યા આસપાસ વેરાવળ બંદરમાં મોટી આગ લાગ્યાનો કોલ આવતાં તુરંત ફાયર બીગ્રેડ સ્ટાફના ક.ઋ.ખ સુનિલભાઈ, L.F.M હરપાલસિંહ, ફાયરમેન મયંકભાઈ, ભૌમિકસિંહ, જીતેશભાઈ, ભાવેશભાઈ, જીતેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો.
- Advertisement -
2 ફિશિંગ બોટ સંપૂર્ણ બળીને ખાખ
વેરાવળ બંદરના ભીડીયા વિસ્તારમાં ઓક્શન હોલ નજીક પાર્ક કરેલી 08 ફિશિંગ બોટ પૈકી 02 ફિશિંગ બોટમાં આગ વધુ વિકરાળ બની રહી હતી. જેના પર ફોમ અને પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ આગ વધુ વિકરાળમાં હતી. બીજી તરફ બાજુમાં અન્ય 06 ફિશિંગ બોટ પણ આ આગની ચપેટમાં આવે તે પૂર્વે તાત્કાલિક ક્રેનની મદદથી આ 6 ફિશિંગ બોટને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. જો આ બોટ ખસેડવામાં આવી ન હોત તો મોટી દુર્ઘટના સર્જાય તેમ હતી. રાત્રીના 2 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી સતત 6 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગને કાબૂમાં લેવા 80 લીટર જેટલું ફોમ અને 75 હજાર લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ આગ ક્યાં કારણસર લાગી તે હજુ સામે આવ્યું નથી. ત્યારે પોલીસ દ્વારા આ ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો આ ઘટનામાં 2 ફિશિંગ બોટ સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ જતાં બોટમલિકને લાખોનું નુકસાન થયું છે. જો કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.