લગભગ 13મી ની મોડી સાંજે કે 14 તારીખે માછીમારો પોતાના નિવાસસ્થાને પહોંચી જશે, મોટાભાગના માછીમારો સૌરાષ્ટ્ર કાંઠાના રહીશો.
પાકિસ્તાનની જેલમાંથી ભારતીય માછીમારોને મુક્ત કરાયા છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાન દ્વારા 199 ભારતીય માછીમારો જેલમાંથી મુક્ત કરાયા છે. મહત્વનું છે કે, પાકિસ્તાન જેલમાં કેદ એક માછીમારનું અઠવાડિયાની બીમારી બાદ મોત નિપજ્યું છે. જોકે બાદમાં હવે 199 ભારતીય માછીમારો મુક્ત કરાયા છે.
- Advertisement -
ગુજરાતના 199 માછીમારોને પાકિસ્તાને આજે છોડી મૂક્યા છે. આ માછીમારોને સ્વીકારવા માટે રાજ્યના મત્સ્યોધોગ વિભાગના કર્મચારીઓ-અધિકારીઓનો 8 વ્યક્તિઓનો સ્ટાફ વાઘા બોર્ડર પહોંચ્યો હતો. વિગતો મુજબ મોટાભાગના માછીમારો સૌરાષ્ટ્ર કાંઠાના રહીશો છે. લગભગ 13મી ની મોડી સાંજે કે 14 તારીખે માછીમારો પોતાના નિવાસસ્થાને પહોંચી શકે છે.
કેટલા માછીમારો પકડાયા અને કેટલાને મુક્ત કર્યા ?
સૂત્રોનું માનીએ તો ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાની દરિયામાં માછીમારી કરવા બદલ કુલ 667 જેટલા ગુજરાતના માછીમારો પકડાયા હતા. જે બાદમાં હવે પાકિસ્તાન દ્વારા 199 માછીમારોને છોડતા હવે પાકિસ્તાનની જેલમાં 467 માછીમારો છે. રેકર્ડ પ્રમાણે રાજ્યના માછીમારોની 1169 બોટ પણ અત્યારે પાકિસ્તાન સત્તાવાળાઓ હસ્તક છે.
માછીમારો તો છૂટી જાય છે પણ…..
મહત્વનું છે કે, માછીમારો તો છૂટી જાય છે પણ તેમની બોટ નથી છૂટતી. જેને લઈ માછીમારોના એશોશીએશન દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે આ દિશામાં કાર્યવાહી કરવા માંગ કરી છે.