રાજયમાં છેલ્લા 3 વર્ષમાં મોટરકાર, રિક્ષા, સ્કુટર, મોટરસાયકલ અને ટ્રક મળીને કુલ 19326 વાહનોની ચોરી થવા પામી હતી. જેમાંથી 10055 જેટલા વાહનોને શોધી નાખવામાં આવ્યા હતા, જયારે હજુ 9271 વાહનોનો કોઈ અતોપતો જ નથી. રાજયમાંથી 1લી એપ્રિલ, 2020થી 31મી માર્ચ 2023 સુધીમાં 891 મોટરકાર, 1046 પેસેન્જર રિક્ષા, 54 લોડીંગ રિક્ષા, 34 છકડો, 2593 સ્કુટર, 14329 મોટરસાયકલ, 181 મીની ટ્રક અને 198 મોટી ટ્રક મળીને કુલ 19326 વાહનોની ચોરી થવા પામી હતી.
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પૂછાયેલા લેખિત પ્રશ્ર્નના જવાબમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 418 મોટરકાર, 683 પેસેન્જર રિક્ષા, 34 લોડીંગ રીક્ષા, 26 છકડા, 1557 સ્કુટર, 7131 મોટરસાયકલ, 107 મીની ટ્રક અને 99 મોટી ટ્રક મળીને કુલ 10055 વાહનોને શોધી નાંખવામાં આવ્યા છે.
- Advertisement -
આ શોધાયેલા વાહનોમાંથી 9389 વાહનો તેના માલિકોને સુપરત કરવામાં આવ્યા છે. જયારે હજુ પણ 666 વાહનોના માલિકોને શોધવાના બાકી છે. જો કે, હજુ પણ 9271 વાહનોને શોધવાના બાકી રહ્યા છે. જેમાં 473 મોટરકાર, 363 પેસેન્જર રીક્ષા, 20 લોડીંગ રીક્ષા, 8 છકડો, 1036 સ્કુટર, 7198 મોટરસાયકલ, 74 મીની ટ્રક અને 99 મોટી ટ્રકનો સમાવેશ થાય છે.
રાજયના ગૃહ વિભાગ દ્વારા ગુનો જાહેર થયે ચોરી બાબતે તમામ પોલીસ સ્ટેશનને વોચમાં રહેવા માટે ઈ-મેઈલથી જાણ કરવામાં આવે છે. નાકાબંધી કરી શંકાસ્પદ વાહનો ચેક કરાય છે તેમજ બનાવ સ્થળની આસપાસ સીસીટીવી કેમેરા હોય તો ફુટેજ ચેક કરાય છે. ખાનગી રાહે બાતમીદારોને વોચ રાખવા તેમજ આરોપીઓ તથા મુદામાલ શોધવા માટે સંભવત: તમામ પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના કાર્યરત નેત્રમ અથવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ચોરાઈ ગયેલા વાહનોના રજીસ્ટ્રેશન નંબરોને એલર્ટ પર રાખવામાં આવે છે.