રાજ્ય સરકારના બજેટમાં મોરબી જિલ્લાને મળી ભેટ
મોરબીમાં ડૉ. આંબેડકર ભવન બનાવવાની બજેટમાં જાહેરાત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભામાં ગઈકાલે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ 2023-24 નું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાતના બજેટનું કદ પહેલીવાર 3 લાખ કરોડ રૂપિયાને પાર થયું હતું. રાજ્ય સરકારના આ બજેટમાં મોરબી જિલ્લાને ત્રણેક જેટલી ભેટ મળી છે જેમાં નવલખી પોર્ટની ક્ષમતા વધારવા માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે અને રફાળેશ્વર નજીક મલ્ટીમોડ ટ્રાન્સપોર્ટ માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે તેમજ મોરબીમાં ડો. આંબેડકર ભવન બનાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને આડકતરો ફાયદો થશે તેવો ઉદ્યોગકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રાજ્યમાં બસ આધારિત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપી પ્રવાસીઓની સગવડો વધારવાનું અને પ્રદૂષણ તેમજ રોડ ટ્રાફિકને ઓછું કરવાનું સરકારનું આયોજન છે અને સાથે જ બંદર વિકાસ માટે રૂપરેખા જાહેર કરી સરકાર દ્વારા મોરબી જિલ્લાના નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા 8 મિલિયન મેટ્રિક ટનથી વધારીને 20 મિલિયન મેટ્રિક ટન કરવા માટે 192 કરોડ ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ. 5580 કરોડની જોગવાઇ કરી છે જેમાં છોટાઉદેપુર, મોરબી અને ગીર સોમનાથ જીલ્લામાં ડો. આંબેડકર ભવન બાંધવા માટે રૂ. 5 કરોડ ફાળવવામાં આવ્યા છે.
- Advertisement -
મોરબીના રફાળેશ્ર્વર નજીક મલ્ટીમોડ ટ્રાન્સપોર્ટ માટે બજેટમાં જોગવાઈ
ગુજરાત સરકાર દ્વારા આજે રજૂ કરાયેલા નાણાંકીય વર્ષ 2023-24 ના બજેટમાં મોરબીની સીરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્વપુર્ણ ગણાતા મોરબીના રફાળેશ્વર મલ્ટીમોડ ટ્રાન્સપોર્ટ માટે નાણાંની ફાળવણી કરવામાં આવી હતી અને સાથે જ સિરામિક સહિતના ઉદ્યોગો માટે 8589 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે.