વંથલી ખાતે 99.50 લાખના ખર્ચે પશુ દવાખાનાનું ગૌ પૂજન કરી લોકાર્પણ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લાને વંથલી એપીએમસી ખાતેથી રૂ.19.59 કરોડના પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી હતી. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે અંદાજે 99.50 લાખના ખર્ચે નવનિર્મિત અને આધુનિક સુવિધાથી સજજ વંથલી પશુ દવાખાનાનું ગૌ પૂજન કરીને લોકાર્પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ. 17.82 કરોડના માર્ગ અને મકાન પંચાયત તથા રાજ્ય, કેશોદ અને માંગરોળ નગરપાલિકા ઉપરાંત માણાવદર અને કેશોદના જળસંચય હેઠળના વિવિધ કાર્યો એમ કુલ 9 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું. સાથે જ કેશોદ નગરપાલિકા દ્વારા રૂ.80 લાખના ખર્ચે નિર્મિત વિવિધ બાંધકામનું ઈ – લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રીએ જનસભાને સંબોધતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ વિકાસ યાત્રાના 23 વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ રૂપે ઉજવણી કરી રહી છે.જેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં વિકાસનું રોલ મોડલ બનીને ઉભર્યું છે. તેમના નેતૃત્વમાં ગુજરાતના પ્રજાજનોને જ્યોતિગ્રામ યોજના થકી 24 કલાક વીજળી મળી રહી છે. આ સાથે ગુજરાત વીજ ઉત્પાદનમાં સરપ્લસ રાજ્ય પણ બન્યું છે. ઉપરાંત સરદાર સરોવર ડેમની ઊંચાઈ પૂર્ણ સપાટી સુધી લઈ જઈ સૌરાષ્ટ્રને પીવાના પાણીની તંગી માંથી કાયમી માટે ઉગાર્યા છે. ગિરનાર રોપવે પ્રોજેક્ટના નિર્માણ તેમજ અન્ય પ્રવાસન સ્થળોના વિકાસથી આ વિસ્તાર પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.