કોંગ્રેસના સદસ્યોએ શાસક પક્ષના સભ્યોને આડેહાથ લીધા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા પંચાયતની બજેટ સભા સોમવારે મળી હતી જેમાં કોંગ્રેસના સદસ્યોએ બે વર્ષમાં વિકાસ કામો થયા જ ન હોવાના આક્ષેપ સાથે જોરદાર હંગામો મચાવ્યો હતો જોકે બાદમાં વર્ષ 2023-24 નું રૂ. 1846.64 લાખનું પુરાંતલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું
મોરબી જીલ્લા પંચાયત દ્વારા 2023-24 નાં વર્ષનું ખર્ચ અને આવક અંગેનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ વખતે મોરબી જીલ્લા પંચાયત દ્વારા તૈયાર કરવામાં આવેલ બજેટ કુલ રૂ. 53412.88 લાખનું છે જેમાં ઉઘડતી સિલક 923.89 લાખ દર્શાવવામાં આવી છે તો જીલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટ તેમજ સરકારની અલગ અલગ ગ્રાંટમાંથી 1846.64 લાખની આવક દર્શાવવામાં આવી છે જેમાંથી 1749.40 લાખનો ખર્ચ અને 97.24 લાખની પુરાંત દર્શાવાઈ છે.
- Advertisement -
આ સિવાય સામાન્ય વહીવટ ક્ષેત્રે રૂ. 101.99 લાખ, પંચાયત અને વિકાસ માટે રૂ. 813.33 લાખ, શિક્ષણ ક્ષેત્રે રૂ. 76.91 લાખ, ખેતીવાડી ક્ષેત્રે રૂ. 16.10 લાખ, પશુપાલન ક્ષેત્રે રૂ. 5.00 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ. 70 લાખ, આંકડા શાખા માટે રૂ. 1.30 લાખ, કુદરતી અફતો માટે રૂ. 310 લાખ અને સિંચાઈ ક્ષેત્રે રૂ. 78.78 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જીલ્લા પંચાયતમાં મળેલી બજેટ સભામાં કોંગ્રેસના સદસ્ય ભુપતભાઈ ગોધાણીએ શાસક પક્ષને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, બજેટ સર્વ સંમતીથી મંજુર કરાયું છે જોકે 15 માં નાણાપંચના કામ ત્રણ વર્ષથી થયા નથી અને ત્રણ ત્રણ વર્ષથી કામો અટકેલા છે. ટેન્ડર બહાર પાડે અને ફરી રીટેન્ડર કરવામાં આવે છે. સામાન્ય સભામાં લેવાતા એજન્ડામાં હેતુફેર જેવા મુદાઓ જ શાસક પક્ષને નજરે પડે છે, પ્રજાહિતના મુદા લેવાતા નથી અને એકપણ પ્રશ્નનો નિકાલ પણ થતો નથી જેથી સરકાર પાસે માંગ કરી છે કે વિકાસ કાર્યો અવિરત ચાલુ રાખવા જોઈએ અને ખેડૂતોના હિતમાં કિસાન સૂર્યોદય યોજના ફરી શરુ કરવા માંગ કરી હતી.