વરસાદી વાતાવરણમાં નિ:સહાય ભટકતી મહિલા અને બાળકીની વ્હારે 181 ટીમ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
થાનગઢ ખાતે 181 મહિલા હેલ્પલાઇનની ટીમે વરસાદી વાતાવરણમાં નિ:સહાય ભટકતી એક વિધવા મહિલા અને તેની નાની બાળકીને સુરક્ષિત આશ્રય પૂરો પાડી સંવેદનશીલ કામગીરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં થાનગઢ ખાતે એક અજાણી અસ્થિર મગજની મહિલા પોતાની નાની બાળકી સાથે છેલ્લા કેટલાક સમયથી વરસાદી વાતાવરણમાં રઝળતી હોવાની જાણ સુરેન્દ્રનગર જિલ્લા 181 અભયમ ટીમને થતા જ 181 ટીમના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતાબેન અને પાયલોટ સુરેશભાઈ તાત્કાલિક થાનગઢ ખાતે પહોંચી મહિલાની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ મહિલાની કબજો લેતા જાણવા મળ્યું હતું કે આ મહિલા પોતે પાટણના વતની છે અને તેના પતિનું અવસાન થયું છે. મહિલાને સંતાનમાં એક વર્ષની દીકરી પણ છે. ત્યારે આ નિ:સહાય મહિલાને તાત્કાલિક આશ્રયની જરૂર હોવાથી 181ની ટીમ દ્વારા તેઓને સુરેન્દ્રનગર લઈ જઈ આશ્રય મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. 181 મહિલા હેલ્પલાઇન ટીમે આવા કપરા સંજોગોમાં એક નિરાધાર મહિલા અને તેની એક વર્ષીય બાળકીની વ્હારે આવી સંવેદનશીલ અને માનવતા ભર્યું કામ કર્યું હતું.