શહેરના કોઠારીયા વિસ્તારમાંથી એક પિડિત યુવતી દ્વારા અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવતાં 181 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કાઉન્સેલર શિવાની પરમાર તથા ચાલક ભાનુબેન મઢવીએ યુવતીને સાંત્વના આપી તેમની સમસ્યા અંગે વિગત મેળવી હતી.
યુવતીના જણાવ્યા મુજબ તેમના પિતા રોજ નશો કરી યુવતી, તેમના માતા તેમજ ભાઈ સાથે મારપીટ કરતા હતા. ઘરમાં બચત કરી રાખેલ પૈસા છીનવીને તેનો નશો કરતા તેમજ નશો કરવા માટે વ્યાજ પર પૈસા લેતા હતાં. રહેણાંક મકાન યુવતીના માતાના નામ પર હોવાથી મકાન પોતાના નામ પર કરાવવા માટે બળજબરી અને હેરાનગતિ કરી ધમકી આપતા હતા. દીકરી ઘરખર્ચમાં મદદ કરવા માટે પાર્ટ ટાઇમ નોકરી કરતી પરંતુ, પિતા મારપીટ કરી તેનો પગાર પણ છીનવી લેતા હતા.
- Advertisement -
આ પરિસ્થિતિમાં અંતે આખા પરિવારને બેઘર થવાનો ડર તેમજ રોજબરોજના ત્રાસથી કંટાળી જઇ કોઇ રસ્તો ન સુઝતા પીડિતાએ કોઇ અનાવશ્યક પગલું ન ભરતાં સમજદારી દાખવી અભયમનો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમે તેમના પરિવારનું કાઉન્સેલીંગ કરી તેમને સમસ્યાના સમાધાન માટે કાયદાકીય માહિતી આપી હતી. ઉપરાંત, તેમને વ્યવસ્થિત કાનુની સલાહ અને સરકારી વકીલની જરુરીયાત જણાય તો તેની પણ માહિતી પૂરી પાડી હતી. યુવતીને પિતા અંગે પોલિસ સ્ટેશન ખાતે કાયદાકીય કાર્યવાહી કરવી હોવાનું કહેતા તેમને પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ માટે યોગ્ય મદદ અપાવી હતી. અને સાચા અર્થમાં યુવતી તથા તેના પરિવારના મદદગાર સાબિત થયા હતા.