દિયરવટાની પ્રથાને પ્રતિકાર કરતી મહિલાની વ્હારે ટીમ ઊભી રહી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અને મદદ માટે 24 કલાક કાર્યરત 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા અનેક મહિલાઓના જીવનમાં સુખના અજવાસ પથરાયા છે. ત્યારે વધુ એક કિસ્સામાં સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારમ વિધવા મહીલાનું તેના 7 વર્ષના બાળક સાથે મિલન કરાવી 181 મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા સુખદ સમાધાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના એક ગામમાંથી વિધવા મહીલાએ 181 મહિલા હેલ્પલાઈન સાથે સંપર્ક કરતા ગણતરીની મિનિટોમાં જ 181 ટીમના કાઉન્સેલર ચંદ્રિકા મકવાણા અને ડ્રાઇવર યશવંતભાઈ ગોસ્વામી પીડિતાની મદદે પહોંચી ગયા હતા. પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે પીડિતાના પતિ ત્રણ મહિના પહેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ પીડિતાને સમાજના આગેવાનો દ્વારા મરજી વિરૂદ્ધ દિયર વટુ કરાવ્યું હતું. દિયર વટાની કુરિવાજથી અને દિયર વટાના ત્રણ જ દિવસમાં મારકૂટ થતાં પીડિતા પિયરે ચાલ્યા ગયા હતા. પીડિતના પતિ હયાત નહિ હોવાથી બાળક ઉપર દિયરનો તથા સાસુનો હક હોવાનું જણાવી 7 વર્ષનાં બાળકને લઈ ગયા હતા. પીડિતા પોતાના બાળકને લેવા સાસરે પરત ગયા પરંતુ દિયર એક પણ વાત સમજવા તૈયાર ન હતા. અંતે દિયર કે સાસુ બાળક આપવા રાજી નહી થતાં પીડિતાએ 181 અભ્યમ ટીમનો સંપર્ક કર્યો હતો.
- Advertisement -
આ તરફ 181ની ટીમ દ્વારા સાસુ તથા દિયરને કાયદાકીય ભાષામાં સમજાવવામાં આવ્યા હતા. તેમજ બાળક હજુ નાનું હોવાથી તેના માતાને આપી દેવા દિયર અને તેના સાસુને સમજૂત કરવામાં આવ્યા હતા. સાસુને પણ પોતાની રૂઢિગત પ્રણાલી છોડીને દીકરો ગુમાવ્યા બાદ વહુને જ દીકરા સમાનમાની સાથે રહેવા સમજાવવામાં આવ્યા હતા. સાસુ તથા દિયરને પોતાની ભૂલ સમજાઈ જતા બંને એ પીડિતાની માફી માંગી, પોતાની મરજીથી પીડિતને બાળક આપ્યું હતું. સુખદ સમાધાન થતાં સાસુ તેમજ પીડિત બંને રડી પડ્યા હતા. પીડિત મહિલા સમાધાન કરી દિયર વટા વગર સાસુ અને બાળક સાથે સાસરે રહેવા ઈચ્છતા હોવાથી સાસુએ પીડિતને દીકરી સમાનમાની સાથે રહેવા સહમત થયા હતા.