ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
દિવાળીના પ્રકાશ પર્વ નિમિત્તે નાગરિકો પણ સરકારની વિવિધ હેલ્પલાઈન અંગે જાગૃત બંને તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. દિવાળીના પર્વ પર રંગોળી કરીને લોકો પોતાના ઘર આંગણાને રંગમય બનાવે છે. ત્યારે 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમની મહિલાઓએ રેસકોર્સ સ્થિત મહિલા પોલીસ સ્ટેશન ખાતે રંગોળીના માધ્યમથી લોકોને જાગૃતિ સંદેશ પાઠવ્યો હતો. કેસરી, સફેદ, લીલો, કાળો, બ્લુ, લાલ સહિતના રંગોનો ઉપયોગ કરીને બહેનોએ 181 અભયમ મહિલા હેલ્પલાઈન, 1930 સાયબર હેલ્પલાઇન, 1098 ચાઈલ્ડ હેલ્પલાઈન, 112 જન રક્ષક હેલ્પલાઈન સહિત મહિલા પોલીસ સ્ટેશન વિશેની આકર્ષક રંગોળી બનાવી મહિલાઓની સુરક્ષા અને સલામતીનો શુભ સંદેશો પાઠવી દિવાળી પર્વ અને નૂતન વર્ષની મંગલ કામનાઓ કરી હતી.
હેલ્પલાઇન નંબર 1930, 112, 1098, 181ની આકર્ષક રંગોળી બનાવી જાગૃતિ સંદેશો આપતી 181 અભયમ ટીમ



