એનિમલ હેલ્પલાઈન દ્વારા જિલ્લા કલેક્ટર તંત્ર અને જિલ્લા પશુપાલન ખાતાનાં સહયોગથી મેગા એનિમલ વેક્સિનેશન ડ્રાઇવ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
- Advertisement -
રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. છેલ્લા 21 વર્ષથી કરુણા ફાઉન્ડેશન દ્વારા મૂંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ’મોબાઈલ પશુ ચિકિત્સાલય’, ’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે.
અત્યાર સુધીમાં 12,00,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ વિનામૂલ્યે, નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા, 11 એમ્બ્યુલન્સ તેમજ ત્રણ બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 12,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિનામૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ-પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/ સંસ્થાની જ નિ:શુલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.
શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા જિલ્લા કલેક્ટર તંત્ર અને જિલ્લા પશુપાલન ખાતાનાં સહયોગથી રાજકોટ શહેરની 60 જેટલી પાંજરાપોળ – ગૌશાળાઓમાં 18,000 જેટલા અબોલ જીવો માટે મેગા વેક્સીનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. આ ડ્રાઇવમાં દરેક સંસ્થામાં વેટરનરી ડોક્ટર્સની ટીમને મોકલી ત્યાંના તમામ પશુ પક્ષીઓને જરૂરી તમામ વેકસીનેશન, સારવાર તેમજ જરૂરી ઓપરેશન પણ કરવામાં આવશે. પશુઓનું આરોગ્ય સુધરે તે હેતુથી બહોળા પ્રમાણમાં મિનરલ બ્લોક પણ અપાશે જેથી પશુઓના શરીરમાં મિનરલ, વિટામિનની ઉણપ દૂર થાય.
સમગ્ર ડ્રાઈવ આશરે 80થી પણ વધુ દિવસ સુધી ચાલશે અને સમગ્ર રાજકોટ જિલ્લાની તમામ ગૌશાળા અને પાંજરાપોળના દરેક જીવને આવરી લેવામાં આવશે. પશુઓમાં ચોમાસાની ઋતુમાં ખાસ કરીને ખરવા – મોવાસા , ચામડીના રોગ , પેટના રોગ વગેરે બહોળા પ્રમાણમાં થતા હોય છે, આ ચેપી અને જીવલેણ રોગોને નાબૂદ કરી પશુઓનું આયુષ્ય વધારવા, તેમની તંદુરસ્તી સુધારવાનાં હેતુથી આ મેગા વેકસીનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા પણ સમગ્ર દેશમાંથી પશુઓમાં થતા ખરવા – મોવાસા રોગોને નાબૂદ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. આ મેગા વેકસીનેશન ડ્રાઇવને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી , ડી.ડી.ઓ. ડો. નવનાથ ગૌહણે, ગુજરાત સરકારના પશુ પાલન ખાતાના રિજિયોનલ ડાયરેકટર ડો. ગોહિલ, નાયબ પશુ પાલન નિયામક ડો. કટારા, જિલ્લા પંચાયતનાં ડો. ગરાળા, ડો. જાકાસણીયા, ડો. ડઢાણીયા સહિતનાઓનો માર્ગદર્શન અને સહયોગ મળી રહ્યો છે. શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન, રાજકોટની નિષ્ણાંત તબીબો સાથેની ટીમ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ દ્વારા આ પ્રોજેક્ટ કરશે.