ખાસ-ખબર સંવાદદાતા
ન્યુયોર્કના બફલોમાં શનિવારે 18 વર્ષીય શ્વેત હુમલાખોર પેટન ગેનડ્રોને એક સ્ટોરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરી 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. મૃતકોમાં બધા લોકો અશ્વેત હતા. ત્રણ લોકો ઘવાયા પણ હતા. આ સ્ટોર ચલાવનાર પર અશ્વેત છે. પોલીસે જણાવ્યું કે આરોપી પેટન ન્યૂયોર્કના ટીયરનો વતની છે. લગભગ 350 કિ.મી.નું અંતર કાપી પેટન તેની ગાડીથી બફલો પહોંચ્યો હતો. અહીં આવીને તેણે કેમેરાવાળું હેલમેટ પણ ખરીદયું, જેના વડે તેણે ફાયરિંગની ઘટનાનું ટ્વિચ પર લાઈવ ટેલિકાસ્ટ કર્યું. ટ્વિચ એમેઝોન સાથે સંકળાયેલી વેબસાઈટ છે. પોલીસે આરોપી પેટનની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પેટને કહ્યું કે તે નિર્દોષ છે. ઘટના બાદ લોકોએ દેખાવ પણ કર્યા. આ દરમિયાન બફલોના અનેક ચર્ચમાં મૃતકોની યાદમાં પ્રાર્થના સભા પણ યોજાઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે આ ઘટના અમેરિકી મૂલ્યો વિરુદ્ધ છે. હુમલાખોર પેટને ઓનલાઇન બોડી આર્મર ખરીદયા હતા. સાથે 3 બંદૂકોના લાઈસન્સ પણ લીધા હતા. જોકે પેટને સ્કૂલમાં જ તેના સાથીને ગોળી મારવાની ધમકી આપી હતી. તે સમયે પોલીસે પેટનને પ્રોબેશન પર રાખ્યો હતો. તેમ છતાં તેણે હથિયારો તેના ઘરે જ રાખ્યા હતા. અમેરિકી એજન્સી એફબીઆઈના આંકડા મુજબ એક વર્ષમાં અમેરિકામાં હેટ ક્રાઈમ 30 ટકા વધ્યો. 2020માં હેટ ક્રાઈમની 11129 અને 2019માં 8559 ઘટનાઓ બની હતી.