તહેવારો પૂર્વે રાજકોટ પોલીસ સજ્જ
રાજકોટ CPની તમામ પોલીસ સ્ટેશનને પેટ્રોલિંગ વધારવા સૂચના
- Advertisement -
રાજકોટિયન્સને સજાગ રહેવા પોલીસ દ્વારા અપીલ ચોરીના આરોપીઓ સામે પાસા વોરંટ તૈયાર કરવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીના તહેવાર પૂર્વે તેમજ દિવાળી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને રાજકોટવાસીઓ આનંદથી આ પર્વને માણી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, નાયબ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ઝોન 1 અને 2ના ડીસીપીની સૂચનાથી તમામ પોલીસ સ્ટેશનમાં જરૂરિયાત મુજબ બજારોમાં પેટ્રોલિંગ કરવા તેમજ અગાઉ ચોરી તેમજ લૂંટ થતા વિસ્તારો આઇડેન્ટિફાય કરી તેવી જગ્યા પર પેટ્રોલિંગ વધારી ઙઈછ વાનને સતત રાઉન્ડ લગાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત નાઇટ પેટ્રોલિંગ વધુ કડક રીતે કરવા તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવી છે. બહારગામ ફરવા જતા લોકોને પણ પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે, જો તેઓ બહાર જાય તો આ અંગે જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી. જેથી પોલીસ દ્વારા જે-તે વિસ્તારમાં ખાસ વોચ રાખી પેટ્રોલિંગ ગોઠવી શકાય.
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સોશિયલ મીડિયા મારફત લોકોને અપીલ કરવામાં આવી. જેમાં ઘરફોડ ચોરીના બનાવ અટકાવવા શું કરવું? બેન્કમાંથી નાણાં હેરાફેરી કરતી વખતે શું કરવું? જ્વેલર્સના શોરૂમ માલિકો સંચાલકોએ શું કાળજી રાખવી? અને ચીલઝડપ જેવા બનાવોથી બચવા શું કરવું? વગેરે માહિતી લોકોને આપવામાં આવી છે.
રાજકોટ પોલીસ દ્વારા આ તકે લોકોને અન્ય એક ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં સાયબર ફ્રોડનો તેઓ શિકાર ન બને તેની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બહારગામ ફરવા જવા માટે ઓનલાઈન હોટલ કે ટૂર્સ ટ્રાવેલ્સના બુકિંગમાં ફેક વેબસાઈટ પરથી બુકિંગ ન થઇ જાય તેની કાળજી રાખવા તેમજ સસ્તાની અને વધુ ડિસ્કાઉન્ટની લાલચમાં ઓનલાઇન ફ્રોડનો શિકાર લોકો ન બને તેની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે. આ માટે બુકિંગ કરતા પહેલાં જે-તે વેબસાઈટ ચેક કરવી, તેની ગ્રાફિક્સ ડિઝાઇન કેવી છે તે ખરાઈ કરવી, તેના રેટિંગ ચેક કરવા અને બને તો કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં ખરાઈ કરવી અને રૂબરૂ પેમેન્ટ આપવા આગ્રહ રાખવા સૂચના આપવામાં આવી છે. વિશ્વસનીય એપ્લિકેશનનો જ ઉપયોગ કરવા આગ્રહ રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે. તેમજ કોઈપણ લોભ લાલચ સાથે મેસેજમાં આવતી અજાણી લિંક કે અજાણ્યા મેઈલ ઓપન ન કરવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી ખાસ કરી ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે પાસા વોરંટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. જેથી કરી આવા રીઢા ગુનેગારો તહેવાર દરમિયાન ફરી ચોરીના ગુનાને અંજામ આપી ન શકે.
છેલ્લા 3 દિવસમાં 4 રીઢા તસ્કરને પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે કઈઇ તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડને પણ નાસતા ફરતા આરોપીઓને પકડવા તેમજ ખાસ વોચ રાખવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરની મુખ્ય બજારો ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સોની બજાર, બંગાળી બજાર, કંસારા બજાર, ગુંદાવાડીનો અડધો ભાગ એ ડિવિઝન અને અડધો ભાગ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. આ જગ્યા ઉપર લોકો હાલ દિવાળીની ખરીદી કરવા જ આવતા હોય છે. ત્યારે ડીસીપીના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ દ્વારા 18 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 100 પોલીસ જવાનોનું સુરક્ષા કવચ બનાવી બજારમાં ખરીદ કરવા આવતા લોકોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાખવા આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પણ પોલીસ દ્વારા સીસીટીવી તેમજ રૂબરૂ નજર સૌથી વધુ સોની બજાર અને ધર્મેન્દ્ર રોડ બજાર પર રાખવાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 મહિનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના 20 ગુના નોંધાયા છે. જેમાંથી 10 ગુના ડિટેક્ટ થયેલ અને 10 અનડિટેક્ટ છે. જ્યારે ઘરફોડ ચોરીના બે બનાવ બન્યા છે. જે બન્ને ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ જ રીતે ગુંદાવાડી વિસ્તારમાં પણ લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેના માટે ભક્તિનગર પોલીસ દ્વારા પણ આ વિસ્તારમાં ગુંદાવાડી પોલીસ ચોકી ખાતે પોલીસ સ્ટાફ વધારી દિવસ દરમિયાન બજારમાં ખાસ નજર રાખવા સૂચના આપવામાં આવી છે. આ ગીચ વિસ્તાર છે. બજારમાં સાંકડી શેરી છે. માટે ટ્રાફિક સમસ્યા પણ મુખ્ય પ્રશ્ર્ન છે. જેથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને સારી રીતે લોકો ખરીદી કરી શકે તે માટે આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 મહિનામાં ચોરી અને ઘરફોડ ચોરીના મળી કુલ 15 ગુના નોંધાયા છે. જેમાંથી 7 ગુના ડિટેક્ટ થયેલ છે અને 8 ગુના હજુ અનડિટેક્ટ છે.



