કાલસારી ગામમાં બિસ્માર રસ્તા અને પુલને કારણે અકસ્માતનું જોખમ
કાલસારીમાં વૉંકળા પર પુલનો પીલર તૂટી ગયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં રોડ-રસ્તા અને પુલની અત્યંત ખરાબ હાલત સ્થાનિક રહેવાસીઓ માટે જોખમી બની રહી છે. તાજેતરમાં બનેલી એક ઘટનામાં, ગામના ખેડૂત વજુભાઈ વઘાસિયા દવા છાંટવા પોતાની વાડીએ જતા હતા ત્યારે ધારી રોડથી કાલસારી ગામમાં આવતા મુખ્ય માર્ગ પરના ખાડામાં તેમનું ટ્રેક્ટર ઊંધું પડી ગયું હતું, જેના કારણે તેમના પગમાં ગંભીર ઈજા થઈ હતી અને બે ફ્રેક્ચર થયા હતા. નોંધનીય છે કે આ રોડ બે વર્ષ પહેલાં સિમેન્ટનો બનાવવામાં આવ્યો હતો.
ગામમાં માળખાકીય સુવિધાઓની દુર્દશા:
ખરાબ રસ્તાઓ: કાલસારી ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડ્યા છે, જે વાહનચાલકો માટે સતત જોખમ ઊભું કરે છે.
ડિવાઈડર વગરનો પુલ: કાબર વોકળા ઉપર આવેલો પુલ ડિવાઈડર વગરનો છે અને ત્યાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય છે. આ પુલ પર કોઈપણ સમયે અકસ્માત થવાની અને જાનહાનિ થવાની સંભાવના છે.
ખરાબ સ્થિતિમાં પુલ: સૌથી ચિંતાજનક બાબત એ છે કે સરકારી દવાખાને જવાના રસ્તા પરના પુલનો પાયો જ નથી અને તેનો એક પિલર પણ તૂટી ગયો છે. આ પુલ પરથી હાઈસ્કૂલના 175 બાળકો અને વિસાવદર જતા સ્કૂલ વાહનો પણ પસાર થાય છે. આ પુલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે અને બાળકોનો ભોગ લઈ શકે તેવી ભયાવહ શક્યતા છે.
સ્વાસ્થ્ય જોખમ: સરકારી દવાખાનાનો સ્ટાફ અને ખુદ આરોગ્ય અધિકારી પણ આ અસહ્ય ગંદકીમાંથી રોજ પસાર થાય છે. અહીં ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે, જે જાહેર આરોગ્ય માટે મોટો ખતરો છે.
સ્થાનિક રાજકારણ અને લોકોની હતાશા: ગ્રામજનોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતા આ ગામમાં વર્ષોથી આ સમસ્યાઓ છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ચૂંટણી સમયે ઉમેદવારો સ્થાનિક નેતાઓને સાથે રાખીને “સૌની યોજના,” “વિકાસ,” અથવા “હિંદુ-મુસ્લિમ” જેવા મુદ્દાઓ પર ભોળી પ્રજા પાસેથી મત મેળવી લે છે. સ્થાનિક નેતાઓ પણ ભાજપના મંચને શોભાવવામાં કશું બાકી નથી રાખતા. ગામની પ્રજાએ વિરોધ પક્ષને લગભગ નિર્મૂળ કરી નાખ્યો હોવાથી, આ સમસ્યાઓ સામે અવાજ ઉઠાવનાર કોઈ રહ્યું નથી, જેના કારણે આ ગંભીર ફરિયાદો કોને કરવી તે પ્રશ્ર્ન ઊભો થયો છે.