જૂનાગઢ જિલ્લામાં પશુપાલન વિભાગ સક્રિય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે પશુધનને રોગચાળાથી બચાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. નીચાણવાળા અને ઘેડ વિસ્તારના પશુઓના સ્વાસ્થ્યને નુકસાન ન થાય અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ કામગીરી માટે જિલ્લામાં 22 પશુચિકિત્સા અધિકારીઓ અને 58 પશુધન નિરીક્ષકો સહિત કુલ 18 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ બિમાર પશુઓની સારવાર અને ચેપી રોગોનો ફેલાવો અટકાવવા રસીકરણ કરી રહી છે. અત્યાર સુધીમાં 41 અસરગ્રસ્ત ગામોમાં કુલ 1,740 પશુઓને રસી આપવામાં આવી છે, જ્યારે 2,278 પશુઓને કૃમિનાશક દવાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, 171 બિમાર પશુઓને સમયસર સારવાર પણ પૂરી પાડવામાં આવી છે. જિલ્લામાં કુલ 3,75,513 ગાય-ભેંસ વર્ગના અને 78,180 ઘેટાં-બકરાં વર્ગના પશુઓ છે. પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને પશુઓની સંભાળ રાખવા અને તકેદારીના પગલાં ભરવા અંગે પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીનો મુખ્ય હેતુ પૂર જેવી કુદરતી આફતો બાદ પશુધનને થતા સંભવિત નુકસાનને અટકાવી, પશુપાલકોના આર્થિક હિતોનું રક્ષણ કરવાનો છે.