ખાનગી બેન્ક કર્મચારીની ઓળખ આપી ક્રેડિટ કાર્ડ પ્રોસેસના બહાને લોકોને શિશામાં ઉતાર્યા
ક્રાઇમ બ્રાન્ચએ ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં એક પછી એક નવતર પ્રયોગ કરી ગઠિયાઓ લોકોને ભોળવી તેમની તિજોરી ખાલી કરી રહ્યા છે ત્યારે શહેરમાં સોની વેપારી સહિત 10 લોકોને લોન અપાવી દેવાની લાલચ આપી 16.92 લાખ રૂપિયા ગઠિયાએ પડાવી લેતા ક્રાઇમ બ્રાન્ચએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના ગોવર્ધન ચોક પાસે પૂર્વા એપાર્ટમેન્ટમાં રહેતાં અને સૌરાષ્ટ્ર સોપારીના નામે દુકાન ધરાવતાં અંકુર જગદીશભાઈ સુરાણી ઉ.30 નામના વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં મહાવીરસિહ જિતેન્દ્રસિહ સોલંકી નામના શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 19 નવેમ્બરના સવારે દુકાને અજાણ્યો શખ્સ આવ્યો હતો. અને પોતાનું નામ મહાવીરસિંહ સોલંકી જણાવી એકસીસ બેન્કનો કર્મચારી હોવાનું કહી લોનની ઓફરો સમજાવી હતી. પરંતુ તે વખતે તેને બહાર જવાનું હોવાથી બીજા દિવસે આવવાનું કહેતા તે ફરીથી તેની દુકાને આવ્યો હતો અને લોન ઓફર વિશે સમજાવતા વેપારીને પણ લોનની જરૂરીયાત હોવાથી લોન લેવા માટે સહમતિ દર્શાવતા મહાવીરસિંહે તેનો મોબાઈલ ફોન અને તેની પાસે રહેલા બે ક્રેડિટ કાર્ડ માંગ્યા હતા.
આ ક્રેડિટ કાર્ડ આધારે પ્રોસેસ કરી રૂ.ર લાખની લોન થઈ જશે તેમ કહ્યું હતું. તે વખતે તેનો મોબાઈલ નંબર લઈ ફરીથી પ્રોસેસ કરવા આવશે તેમ જણાવી જતો રહ્યો હતો.
બીજા દિવસે તેને કોલ કરી કહ્યું કે, તમારા ખાતામાં રૂ.8940 ટ્રાન્સફર કર્યા છે. જે મને પરત કરી આપો. જૈથી તેણે તેમ કર્યું હતું. બે-ત્રણ દિવસ બાદ ફરીથી મહાવીરસિંહે દુકાને આવી લોનની પ્રોસેસ કરવાના નામે તેનો મોબાઈલ ફોન અને બંને ક્રેડિટ કાર્ડ લઈ પ્રોસેસ કરી લોન થવામાં થોડી વાર લાગશે કહી જતો રહ્યો હતો અને ફરી આવી આ જ પ્રોસેસ કરી હતી ગત તારીખ 11 ડિસેમ્બરના એચડીએફસી બેન્કનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા ગયો હતો ત્યારે જાણવા મળ્યું કે તેના કાર્ડમાંથી રૂ. 43,265 ઉપડી ગયા છે. જેને કારણે ફ્રોડ થયાનું જણાતાં સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી.
આ પછી શંકા જતાં તેણે એકસીસ બેન્કમાં જઈ ક્રેડિટ કાર્ડ ચેક કરાવતાં તેમાંથી પણ કટકે-કટકે રૂ.1.58 લાખ ઉપડી ગયાનું જાણવા મળ્યું હતું. જેથી તેણે ફરીથી સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન પર ફરિયાદ કરી હતી. ગઈ તારીખ 18 ડિસેમ્બરના રોજ તેને એક લોન એપ્લિકેશનમાંથી મેસેજ આવ્યો હતો. જોકે તેને તેમાં કંઈ સમજાયું ન હતું. બાદમાં એક કોલ આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે તે લોન એપ્લીકેશનમાંથી લીધેલી લોન ભરી આપો. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેણે મહાવીરસિંહને ગઈ તા.21 નવેમ્બરના રોજ જે રૂ.8940 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા તે આ લોનના હપ્તાના હતા. જે મળી કુલ રૂ.2.11 લાખની તેમની સાથે છેતરપીંડી થયાનું સામે આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચએ ગઠિયાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
અન્ય ભોગ બનનાર નવ લોકોના નામ અને રકમ
આ ગઠિયાનો શિકાર બનેલા અન્ય 9 લોકોમાં સંદીપ દિનેશભાઇ આંબલીયા રકમ 6.79 લાખ, મયુર વિજયભાઇ ભાદરિયા રકમ 1.09 લાખ, પંકજ બાબુભાઇ દોમડિયા રકમ 65,600, શૈલેષ ભીખલાલ રૂપાભીંડા રકમ 1.05 લાખ, કલ્પેશ રામજીભાઇ ચાંગાણી રકમ 70,606, પરસોતમ વેલજીભાઈ ડાભી 2.19 લાખ, પ્રશાંત ભુપેન્દ્રભાઇ સેજપાલ રકમ 48,469, રાહુલ દિલીપભાઇ નકુમ રકમ 1.33 લાખ અને ગિરીશ દિલપભાઈ નકુમ રકમ 48,260નો સમાવેશ થાય છે.