ખાસ-ખબર ન્યૂઝ ગોધરા, તા.9
આંધ્રપ્રદેશ સરકારની સરકારી અનાજના જથ્થા પૈકીની તુવેરદાળનો જથ્થો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે એક તુવેરદાળની મિલમાંથી મળી આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ સરકારી અનાજનું અનઅધિકૃત વેચાણ થતું હોવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારીએ દરોડો પાડીને રૂપિયા 16.47 કરોડનો જથ્થો સીઝ કરીને મિલના સંચાલકની સામે કાર્યવાહી શરૂ કરી છે.
ગોધરાના શેખ મઝાવર રોડ ઉપર આવેલા તહુરા પ્રોટીન્સ (તુવેરદાળ મીલ)માં જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાએ ચોક્કસ બાતમીના આધારે કરેલા સરપ્રાઇઝ ચેકિંગમાં તહુરા પ્રોટીન્સમાંથી આંધ્રપ્રદેશ સરકારના તુવેરદાળના સરકારી અનાજના જથ્થાના અને અધિકૃત વેચાણના ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ થતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. જો કે જિલ્લા પુરવઠા અધિકારી એસ.ટી. મકવાણાની તપાસ ટીમ દ્વારા તાહુરા પ્રોટીન્સ (તુવેરદાળ મીલ)માંથી અનઅધિકૃત મળી આવેલ અંદાજે 16.47 કરોડ રૂપિયાની કિંમતના તુવેરદાળના 11 હજાર કિલો ગ્રામ એટલે કે 22,226 કટ્ટા સમેત એક વાહનને સિઝ કરીને તહુરા તુવેરદાળ મીલના સંચાલક ઇલ્યાસ મોહમંદ હુસેન ઉમર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
જો કે પંચમહાલના ઇતિહાસમાં અંદાજે 16.47 કરોડ રૂપિયાના અન અધિકૃત અનાજના જથ્થાને સીઝ કરતી આ કાર્યવાહી સૌ પ્રથમ હોવાનું કહેવાય છે. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા ગોધરા શહેર મામલતદારને સાથે રાખીને શેખ મજાવર રોડ ઉપર આવેલ તહુરા પ્રોટીન્સ મીલમાં આકસ્મિક તપાસો હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આ તુવેરદાળ મિલમાંથી આંધ્રપ્રદેશ સરકારના આઇ.સી.ડી.સી.એસ. તેમજ પી.ટી.એસ. માર્કાવાળી સરકારી તુવેરદાળનો જંગી જથ્થો મળી આવતા ખુદ પુરવઠા વિભાગની ટીમ પણ ચોકી ગઇ હતી એટલા માટે કે આંધ્રપ્રદેશ સરકારી અનાજના આ તુવેરદાળના જથ્થાનો અનઅધિકૃત વેચાણ કરવામાં આવતું હોવાના ષડયંત્રના ચોંકાવનારા ગોરખ ધંધાઓ બહાર આવ્યા હતા.