-કોરોનાકાળ પછી ઈમરજન્સી કોલમાં 56%નો ચિંતાજનક વધારો: 2021-22માં 44017 કેસ સામે 2022-23માં 61076 તો એપ્રિલથી જૂન સુધીમાં 15578 દર્દી નોંધાયા
પાછલા ત્રણ મહિનાની અંદર અલગ-અલગ પ્રવૃત્તિ કરતી વખતે હાર્ટએટેક આવી ગયો હોય અને તેના કારણે જીવ ગુમાવવો પડ્યો હોય તેવા અનેક ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. ખાસ કરીને કોરોનાકાળ પછી હાર્ટએટેકની સંખ્યામાં ચિંતાજનક વધારો થવા લાગતા લોકોમાં અલગ જ પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે એવો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે જે આ ચિંતામાં વધારો કરી શકે છે. જાણવા મળ્યા પ્રમાણે ગુજરાતમાં ત્રણ મહિનાની અંદર જ 15000 જેટલા લોકોને હાર્ટએટેક આવી ગયો છે. એકલા રાજકોટની વાત કરવામાં આવે તો અહીં દરરોજ 11 લોકોને હૃદયરોગનો હુમલો આવી રહ્યો હોવાનું 108ના આંકડા પરથી ફલિત થઈ રહ્યું છે.
- Advertisement -
આ સાથે જ ઈમરજન્સી કોલ્સમાં 56%નો ઉછાળો નોંધાયો છે. રાજકોટની સાથે જ અમદાવાદ, વડોદરા અને સુરતની સ્થિતિ પણ કફોડી થઈ જવા પામી છે. અહીં 2021-22માં હાર્ટએટેકના દરરોજ આઠ ફોન આવતા હતા જે હવે વધીને 13 થઈ ગયા છે. આવી જ રીતે રાજકોટમાં અગાઉના વર્ષમાં દરરોજ સાત ફોન આવતા હતા જે હવે 11એ પહોંચ્યા છે તો વડોદરામાં ફોનની સંખ્યા છથી વધીને નવે પહોંચી ચૂકી છે. જ્યારે 26 ફેબ્રુઆરી-2023થી લઈ 27 જૂન સુધીમાં હાર્ટએટેકના કારણે નવ જેટલા લોકોના મૃત્યુ પણ નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાર્ટએટેકના કેસમાં વધારો થતાં જ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયો છે અને તમામ કેસોની સમીક્ષા શરૂ કરવામાં આવી છે.
મેટ્રો શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં એક જ વર્ષમાં હાર્ટએટેકના 18263 કેસ નોંધાયા છે તો સુરતમાં 4489, રાજકોટમાં 3826, ભાવનગરમાં 3286 અને વડોદરામાં 2998 હાર્ટએટેકના કેસ આવ્યા છે. ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટએટેક આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે છેલ્લા બે વર્ષની સાપેક્ષમાં માત્ર વર્તમાન ત્રણ મહિનામાં હાર્ટએટેકના ચોંકાવનારા કેસ મળ્યા છે. વર્ષ 2021-22માં 44017 કેસ હતા જે વધીને એક વર્ષમાં 2022-23માં 61076 થઈ ગયા છે. જો કે આ બે વર્ષની સાપેક્ષમાં એપ્રિલ-2023થી 26 જૂન 2023 સુધીના માત્ર ત્રણ જ મહિનામાં 15578 કેસ નોંધાઈ ચૂક્યા છે. દરમિયાન દેશભરમાંથી આવી રહેલા આવા સમાચારો પર ધ્યાન કેન્દ્રીત કરીને કેન્દ્ર સરકારે તબક્કાવાર રીતે આ મામલે તપાસ કરાવી હતી.
આઈસીએમઆરના નિષ્ણાતોએ છ મહિનામાં 100થી વધુ મૃતદેહોની ચકાસણી કરી હતી જેના રિપોર્ટ પ્રમાણે જેમના મોત અચાનક હાર્ટએટેકના કારણે થયા તેમનામાં કેટલીક બાબતો સામાન્ય હતી. મોટાભાગના લોકો કોરોનામાં લાંબો સમય બીમાર રહ્યા હતા જેના કારણે તેમના શ્રમમાં ઘટાડો થવાને કારણે હાર્ટએટેકના કેસ વધી ગયા છે. આ ઉપરાંત જીવનશૈલીમાં કેટલાક ફેરફાર થયા હતા જે પૈકી લાંબા સમય સુધી સીટિંગ જોબ પણ સામેલ છે. વર્ચ્યુઅલ ગતિવિધિઓ વધવાના કારણે કામ સરળ થયું હતું પરંતુ તેના કારણે શરીર ખરાબ થઈ ગય હતા. એકાએક હાર્ટએટેકનો જે લોકો શિકાર થયા તે શારીરિક શ્રમ અથવા તો કસરન કરતા ન હોવાનું પણ ફલિત થયું હતું.
- Advertisement -