ધિરાણ લોનનાં 7% વ્યાજ વસૂલ્યું : વ્યાજની રકમ પરત ન આપી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
3 લાખ સુધીની પાક ધિરાણ લોન જીરો ટકા વ્યાજે આપવાનો પરિપત્ર હોવા છતાં રાષ્ટ્રીયકૃત બેંકોએ ખેડૂત પાસેથી 7 ટકા વ્યાજ વસુલ્યું છે. હજું સુધી આ વ્યાજની રકમ ખેડૂતોને પરત આપી નથી. ગુજરાતનાં ખેડૂતોનાં 1500 કરોડ રૂપિયા બેંકમાં ફસાઇ ગયા છે. આ અંગે આમ આદમી પાર્ટીએ રજુઆત કરી વ્યાજની રકમ પરત આપવા માંગ કરી છે. જૂનાગઢ આમ આદમી પાર્ટીનાં જિલ્લા મંત્રી હમીરભાઇ રામે આવેદન પત્રમાં જણાવ્યું હતું કે,ખેડૂતોને આપવામાં આવતી પાક ધિરાણ લોન 3 લાખ સુધી જીરો ટકા વ્યાજે આપવાનો સરકારે પરિપત્ર કર્યો છે. તેમ છતાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખેડુતો પાસેથી ગત વર્ષે 7 ટક લેખે વ્યાજ વસુલવામાં આવ્યું છે. આ રકમનું હજુ સુધી ખેડૂતોને રિફંડ મળ્યું નથી. અમુક બેંકમાં તો 2 વર્ષથી ખેડૂતોનાં પૈસા ફસાયેલા છે.
બેંકનાં અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે રાજય સરકાર દ્વારા બેંકોને વ્યાજની રકમ ચૂકવાઇ નથી એટલે અમે ખેડૂતોને આપી શકતા નથી. સરકારનાં મીસ મેનેજમેન્ટનાં કારણે ખેડૂતોનાં રૂપિયા બેંકમાં ફસાઇ ગયા છે. ગુજરાતનાં ખેડૂતોના: 1500 કરોડથી વધુ રૂપિયા બેંકમાં ફસાઇ ગયા છે. આ રકમ ખેડૂતોને તાત્કાલીક આપવામાં આવે તેવી માંગ છે.


