રાજકોટની બે મહત્ત્વની કોલેજોને જોડતો મુખ્ય માર્ગ ખાડા
અને કીચડથી ભરાયો, સ્થાનિકો દ્વારા મરામતની માંગ ઉઠી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ-2 પર આવેલા પરસાણા ચોકડીથી કણકોટ ગામ તરફ જતા માર્ગની હાલત હાલ ભયજનક બની છે. તાજેતરના વરસાદ બાદ રસ્તો કાદવ અને કીચડથી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓના જીવને જોખમ ઊભો થયો છે. આ માર્ગ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને લાભુભાઈ ત્રિવેદી કોલેજ જેવા મહત્વના શૈક્ષણિક સંસ્થાઓ તરફ જતા વિદ્યાર્થીઓ માટે મુખ્ય માર્ગ છે. પરંતુ હાલ રસ્તા પર 2-2 ફૂટ ઊંડા ખાડાઓ અને સતત ભરાતા પાણી-કીચડને કારણે નાની મોટી દુર્ઘટનાઓ વધી રહી છે. કોલેજના વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, ‘દરરોજ આ માર્ગ પરથી પસાર થવું છે. વરસાદ પછી રસ્તો દેખાતો જ નથી. સ્કૂટર ચલાવવું તો દૂરની વાત, પગે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.’
સ્માર્ટ સિટી દાવાઓ સામે હકીકત છતી
સ્થાનિક રહેવાસીઓએ મનપાની કામગીરી પર આંગળી ઉઠાવતા જણાવ્યું કે, “સ્માર્ટ સિટી તરીકે જાહેરાતો અને કાગળ ઉપર કામો બહુ થયા, પણ જમીની હકીકત આ માર્ગ જેવી છે. રસ્તાની નબળી હાલતને કારણે ઘણી વખત વાહનો પલટી ખાય છે કે લોકો ફસાઈ જાય છે. ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ અને રોજિંદા પ્રવાસીઓ માટે આ સ્થિતિ અહિતકારક બની છે.
તાત્કાલિક મરામત માટે માંગ ઉઠી
વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો દ્વારા રાજકોટ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત અને મજબૂતાઇની માંગ કરવામાં આવી છે, જેથી આવતા દિવસોમાં વધી રહેલા અકસ્માતોને અટકાવી શકાય અને નાગરિકોને સુરક્ષિત માર્ગ મળતો રહે.