જૂનાગઢમાં 116 અસામાજિક તત્ત્વોનાં ઘરે સર્ચ ઓપરેશન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
શરીર, મિલકત સંબંધી, લુડો અપહરણ બળજબરીથી નાણા કઢાવવાની કોશિશ સહિત ગંભીર ગુનાઓમાં અવારનવાર સંડોવાયેલ ગુનેગારોની યાદી તૈયાર કરી તેની સામે આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાનાં માર્ગદર્શનમાં એ ડિવિઝન પીઆઈ બી. બી. કોળી, બી ડિવિઝન ઇન્ચાર્જ લેડી પીઆઈ એચ. કે. હુંબલ, સી ડિવિઝન પીઆઈ વી. જે. સાવજની અલગ અલગ ટીમ દ્વારા 116થી વધારે તત્વોના રહેણાંક મકાને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
એ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં તપાસ દરમ્યાન 5 ગેરકાયદે વીજ જોડાણ, 4 બાંધકામ મળી આવ્યા હતા. જ્યારે સી ડિવિઝન હેઠળના ગાંધીગ્રામ, રાજીવનગર સંજયનગર, લીરબાઈપરા સહિતના વિસ્તારોમાં 10 શખ્સને ત્યાંથી ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા પીજીવીસીએલ દ્વારા રૂપિયા 10.02 લાખની વીજ ચોરીની કાર્યવાહી કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન દેશી દારૂ, હથિયાર, ત્રીપલ સવારી સહિતના કેસ ઉપરાંત કેફી પીણું પીધેલી હાલતમાં આંટાફેરા કરતા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.