રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી: 85.50 કરોડના વિકાસ કામોને બહાલી
વગડ ચોકથી ટીલાળા ચોક સુધીના રસ્તાને 6.74 કરોડના ખર્ચે સીસી રોડથી મઢવામાં આવશે
ઈસ્ટ ઝોનમાં 42.25 કરોડના ખર્ચે ડી.આઈ.પાઈપ લાઈન નખાશે: ગ્રીન લેન્ડ ચોકડી પાસે લાલપરી તળાવ પર સ્લેબ કલ્વર્ટ બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકામાં શનિવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં 21 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. કુલ 85,50,09,749ના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં રસ્તા કામ, ડ્રેનેજ, આર્થિક સહાય, ડીઆઈ પાઈપલાઈન, સ્લેબ ક્લવર્ટનો સમાવેશ થાય છે. વોર્ડ નં.11માં વગડ ચોકથી ટીલાળા ચોક સુધીના રસ્તાને સીસી રોડથી મઢવામાં આવશે. જેના માટે સ્ટેન્ડિંગમાં 6.74 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ કામ માટે જીએસટી સહિત 7.68 કરોડનું એસ્ટીમેટ બનાવવામાં આવ્યું હતું. 19500 ચો.મી.ના કામ માટે રૂ. 6.51 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવતા ચાર કંપની કવોલીફાય થઇ હતી જેમાં યુનિક બિલ્ડરે 12.27 ટકા ડાઉન ભાવ આપતા 5.71 કરોડમાં કામ અને 18 ટકા જીએસટી સહિત રૂ. 6.74 કરોડમાં આ પાર્ટીને કામ આપવા દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
વોર્ડ નં-5માં ગ્રીન લેન્ડ ચોકડી પાસે લાલપરી નદી પર 1.01 કરોડના ખર્ચે સ્લેબ કલ્વર્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમત-ગમત ટુર્નામેન્ટ યોજવા ઉપરાંત ગ્રાઉન્ડ ખાતેથી આવક વધારવાના હેતુથી લગ્ન પ્રસંગના દાંડીયા રાસ, નવરાત્રી, અન્ય વ્યવસાયિક, ધાર્મિક, સામાજીક, રાજકીય કાર્યક્રમો અને પ્રસંગ, મ્યુઝીકલ નાઇટ સહિતના કોમર્શિયલ હેતુ માટે ગ્રાઉન્ડ ભાડે આપવા અધિકારીઓની કમિટીમાં નિયમો નક્કી કરાયા છે. જેમાં નવરાત્રિનું 15 દિવસનું ભાડું રૂ.30 લાખ નક્કી કરવામાં આવ્યું છે. આ માટે ભાડાની અપસેટ રકમ રૂા. 30 લાખ અને સિકયોરીટી ડિપોઝીટ રૂા. પાંચ લાખ નકકી કરાઇ છે. અપસેટ એટલે કે બે પાર્ટીની ઓફર આવે તો વધુ ઓફર કરનાર આયોજકને ગ્રાઉન્ડ ભાડે અપાશે. 30 લાખનું ભાડુ, પાંચ લાખ ડિપોઝીટ, 18 ટકા લેખે 4.80 લાખ જેટલો જીએસટી મળી લેનાર પાર્ટીને આ ગ્રાઉન્ડ રૂા. 35 લાખમાં નવરાત્રી માટે પડે તેમ છે. વીજ ખર્ચ પણ અલગ લેવામાં આવશે.
જ્યારે શીતલ પાર્કમાં કપાત થતી તેમની જમીનના વૈકલ્પિક વળતર આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ બે-બે વખત પેન્ડિંગ રાખ્યા ફરી એક વખત પેન્ડિંગ રાખવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, ભાજપ, ભગવાનજીભાઇ તળાવિયા, પ્રફુલભાઇ ગંગદેવ, ભારતીબેન હિરપરા, નિર્મળાબેન પીપળિયા, જયંતીભાઇ સગપરિયા, સરકાર વતી કલેક્ટરને શીતલ પાર્કમાં કપાત થતી તેમની જમીનના વૈકલ્પિક વળતર આપવાની દરખાસ્ત આ વખતે પણ પેન્ડિંગ રખાઈ છે.
રાજકોટના માધાપરમાં હયાત સ્મશાનને વિદ્યુત સ્મશાન બનાવાશે
વોર્ડ નં.3માં માધાપર ગામના હયાત સ્મશાનને વિદ્યુત સ્મશાન તરીકે વિકસાવવા માટે 3.82 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ સ્મશાનને અન્ય જગ્યાની જેમ ઇલેકટ્રીક સ્મશાન બનાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં સારંગ ક્ધસ્ટ્રક્શન કંપનીએ 1.51 ટકા ઓછા ભાવની ઓફર કરતા 3.24 કરોડમાં આ કામ અપાશે. તેના પર 58 લાખ જીએસટી લાગુ થશે. આ વિસ્તારને વિદ્યુત સ્મશાનથી મોટી સુવિધા મળશે.
- Advertisement -
કામની વિગત રકમ
રસ્તા કામ રૂા. 37,89,97,084
ડ્રેનેજ રૂા. 40,76,289
આર્થિક તબીબી સહાય રૂા. 10,22,683
ડી.આઈ. પાઈપલાઈન રૂા. 42,25,20,234
બોક્સ ક્લ્વર્ટ-સ્લેબ કલ્વર્ટ રૂા. 1,01,43,510
સ્મશાન રૂા. 3,82,49,949
કુલ ખર્ચ રૂા. 85,50,09,749