અલગ અલગ વિસ્તારમાં ટપોટપ મોત થતા ગૌપ્રેમીઓમાં શોકની લાગણી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં 15 ગાયના શંકાસ્પદ મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં તંત્ર અને પશુ ડોક્ટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પીએમની તજવીજ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં કોઈ પદાર્થ ખાવાથી ઝેરી અસર થઈ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. એકસાથે ગાયોના મોતથી પશુ પાલકોમાં શોકની લાગણી ફેલાઈ છે. સુરેન્દ્રનગર શહેરના, કૃષ્ણનગર, દાળમીલ રોડ અને રધુવીર નગર સહિતના વિસ્તારોમાંથી અંદાજે 15ગાયો મૃત હાલતમાં મળી આવી હતી. આ અંગેની જાણ થતાં પશુ માલિકો અને જીવદયાપ્રેમીઓ દોડી આવ્યા હતા. તેમજ આ અંગે જવાબદાર તંત્ર અને પશુ ડોક્ટરને જાણ કરી હતી. જેથી તંત્ર અને પશુ ડોક્ટર ઘટનાસ્થળોએ પહોંચ્યા હતા અનેગાયોના પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. પશુ ડોક્ટરે જણાવ્યું હતું કે, અલગ અલગ વિસ્તારોમાં ગાયોના મોત નિપજ્યા છે, આથી કોઈ ચોક્કસ કારણ હાલ કહી શકાય તેમ નથી, પરંતુ કોઈ પદાર્થ ખાવાથી તેની ઝેરી અસરથી મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ બહાર આવશે. ત્યારે એકસાથે મોટી સંખ્યામાં ગાયોના મૃત્યુ થતાં પશુપાલકો અને જીવદયાપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી