સેનેટ નહીં મળવાને લીધે પહેલીવાર 140 વિદ્યાર્થી ગોલ્ડમેડલથી વંચિત: હજુ તારીખ અનિશ્ર્ચિત
સેનેટ બોલાવવી કે બોર્ડ ઓફ મેનેજમેન્ટ તેની ગડમથલમાં હજુ સુધી ન થઇ શક્યો સમારોહ
ખાસ-ખબર સંવાદદાતા
યુનિવર્સિટીની અણઆવડતને કારણે દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાતો પદવીદાન સમારોહ આ વર્ષે હજુ યોજી શકાયો નથી. હજુ પણ આગામી ફેબ્રુઆરી મહિના સુધી યોજાવાની કોઈ સંભાવના નહીં હોવાથી વિદ્યાર્થીઓ પણ મુંઝવણમાં મુકાયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 30 હજાર જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રીથી અને અંદાજિત 140થી વધુ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલથી વંચિત રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે. બીજી બાજુ જે વિદ્યાર્થીઓએ ડિગ્રી લઈને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના છે તેઓને ડિગ્રી નહીં મળવાને કારણે વિદેશ અભ્યાસ પણ અટકી ગયો છે.
પદવીદાન સમારોહ માટે રાજ્યપાલ સમક્ષ 45 દિવસ અગાઉ આયોજન અંગેની મંજૂરી લેવાની હોય છે એટલે હવે જો યુનિવર્સિટી જાન્યુઆરી-અંત કે ફેબ્રુઆરીમાં મંજૂરી લેશે તો પણ માર્ચમાં પદવીદાન સમારોહ યોજાઈ શકે છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત સેનેટ બેઠક ન મળવાને કારણે વિદ્યાર્થીઓ ગોલ્ડમેડલ વિના બેઠા છે. સેનેટની તારીખ હજુ નક્કી થઈ નથી. તારીખ આપ્યાના 40 દિવસ બાદ સેનેટ બેઠક બોલાવવાની થાય. નવો ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ આવતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એમ હતું કે સેનેટ બેઠક બોલાવવાની નહીં થાય.
અગાઉ રાજ્યપાલ સમક્ષ પદવીદાન સમારોહ માટે તારીખ મગાવાઇ હતી અને 21મી ડિસેમ્બરે પદવીદાન સમારોહ યોજાવાનો હતો પરંતુ આ પદવીદાન સમારોહ જૂના સેનેટ સભ્યોને સાથે રાખીને યોજવો કે નવા કોમન એક્ટ મુજબ કમિટીના સભ્યોને બોલાવવા. આ ગડમથલમાં પદવીદાન સમારોહ છેલ્લી ઘડીએ મોકૂફ રખાયો. કેટલીક યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ બની ગયું છે અને પદવીદાન સમારોહ પણ યોજાઇ ગયા છે.