સુરત ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં પોલીસ-રાજકારણી વચ્ચે ઊંડા સાંઠગાંઠનો પર્દાફાશ:અમદાવાદ કોર્ટમાં બિટકોઈન, લાઇટકોઇન, રોકડ રકમની ઉચાપત માટે ભૂતપૂર્વ ધારાસભ્ય, ભૂતપૂર્વ એસપી અને 15 અન્ય લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા
સુરતના ચકચારી બિટકોઇન ખંડણી કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં તત્કાલિન અમરેલીના પોલીસ અધિક્ષક (SP) જગદીશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અનંત પટેલને પણ અમદાવાદ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદો ગુજરાતમાં પોલીસ અને રાજકારણીઓની સંડોવણીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
- Advertisement -
શું હતો કેસ?
વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો આ કેસ સામે હતો. શૈલેષ ભટ્ટનું પીઆઈ અનંત પટેલ સહિતની પોલીસ ટીમે અપહરણ કર્યું હતું. અપહરણકારોએ તેમને ગાંધીનગર નજીક લઈ જઈને તેમની પાસેથી 9 કરોડ રૂપિયાની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સંડોવણી સામે આવી હતી.
આ કેસમાં અમરેલીના પીઆઈ અનંત પટેલ અને તેમની ટીમ સરકારી વાહનોનો ઉપયોગ કરીને શૈલષ ભટ્ટનું અપહરણ કર્યું હતું અને ત્યાર પછી તેના પાસે ખંડણી પણ માંગી હતી. આ દરમિયાન સીઆઈડી ક્રાઈમે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારી તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલિન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા હતા. જેના આધારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે જગદીશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ કેસમાં સમયાંતરે કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
નલિન કોટડિયાની ભૂમિકા
આ સમગ્ર ઘટનામાં નલિન કોટડિયાની ભૂમિકા “ફિક્સર” તરીકેની હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં તેમનું નામ બહાર આવ્યા બાદ તેઓ લાંબા સમય સુધી પોલીસની પકડમાંથી ફરાર રહ્યા હતા. લાંબો સમય ફરાર રહ્યા બાદ, CID ક્રાઈમે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ અને જાહેરનામું બહાર પાડ્યું હતું. આખરે, તેમને મહારાષ્ટ્રના ધુલિયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ, કોર્ટમાં તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ઘણા સમય પછી, મે 2019માં ગુજરાત હાઇકોર્ટે તેમને અમુક શરતી જામીન આપ્યા હતા.