જો કે હજુ સુધી પરિપત્ર આવ્યો નથી: નવા નાણાંકીય વર્ષ એપ્રિલ-2022થી અમલ શરૂ થશે
મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત મુજબ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની બસોમાં હવે રાજકોટ એસટી ડિવિઝનના નવ ડેપો હેઠળના અંદાજે 13, 000 વિદ્યાર્થીઓને હવે સંપૂર્ણ વિનામૂલ્યે પાસ અપાશે. હાલ આ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એસ.ટી. બસ પોર્ટના 7300 જેટલા વિદ્યાર્થી પાસ સહિત ડિવિઝનના ગોંડલ, મોરબી, ચોટીલા, જસદણ, વાંકાનેર, લીંબડી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતના નવ ડેપોના અંદાજે કુલ 13000 વિદ્યાર્થીઓને હવે અભ્યાસ અર્થે સંપૂર્ણ વિનામૂલ્યે વિદ્યાર્થી પાસ મળશે. હાલ સુધી જે તે સ્થળેથી આવવા જવા માટે 82.5 ટકા ડિસ્કાઉન્ટ અપાતુ એ હવે 100 ટકા મતલબ કે સંપૂર્ણ વિનામૂલ્યે કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત બાદ નિગમની કચેરી તરફથી હજુ સુધી પરિપત્ર આવ્યો નથી પરંતુ પરિપત્ર આવતા સાથે જ અમલવારી શરૂ કરાશે. મોટાભાગે એપ્રિલ- 2022થી અમલ શરૂ થઇ જશે. નિગમને વર્ષે લાખો રૂપિયાની આવક ગુમાવવી પડશે પરંતુ વિદ્યાર્થીઓ સંપૂર્ણ વિનામુલ્યે મુસાફરી કરી શકશે.