અમેરિકાની વસ્તીમાં ભારતીયોનો હિસ્સો એક ટકા
રોનાલ્ડ રીગને સૌથી પહેલી વખત ભારતીયોને અમેરિકન વહીવટીતંત્રમાં સ્થાન આપવાની શરૂઆત કરી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના પ્રમુખ જો બાઇડેને 130થી પણ વધારે ભારતીય-અમેરિકનોને તેમના વહીવટીતંત્રમાં ચાવીરુપ હોદ્દા પર ગોઠવ્યા છે. અમેરિકાની કુલ વસ્તીમાં માંડ એક ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતાં લોકો માટે આ આંકડો ઘણો સારો કહી શકાય. આ અત્યાર સુધીમાં એક પ્રકારનો રેકોર્ડ જ છે. આમ તેમણે ટ્રમ્પે નીમેલા 80 ભારતીયો અને બરાક ઓબામાએ નીમેલા 60 ભારતીયોના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ ઉપરાંત 40થી વધારે ભારતીય-અમેરિકન વિવિધ રાજ્ય અને સંઘીય સ્તરે ચૂંટાયા હતા.
તેમા ચાર ભારતીય અમેરિકન તો યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં છે. અહીં તે ભૂલવું ન જોઈએ કે 20થી વધુ ભારતીય અમેરિકન અમેરિકાની અગ્રણી કંપનીઓની ધુરા સંભાળી રહ્યા છે. ભારતીય અમેરિકનની સૌપ્રથમ નિમણૂક રોનાલ્ડ રીગનના સમયમાં થઈ હતી. બાઇડેને તો લગભગ બધા વિભાગો અને તેમના વહીવટીતંત્રની બધી એજન્સીઓમાં ભારતીયોની નિમણૂક કરી છે.
સિલિકોન વેલી સ્થિત ઉદ્યોગસાહસિક, સખાવતકાર અને વેન્ચર કેપિટલિસ્ટ એમ આર રંગાસ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય-અમેરિકનોની આ સફળતાનું કારણ તેમની સેવાની ભાવના છે. આ બાબત તેમના જાહેર સેવાના ચાવીરુપ હોદ્દાઓનું પ્રતિબિંબ પાડે છે. આના લીધે આપણે ગૌરવપૂર્વક કહી શકીએ કે અમેરિકામાં મેળવેલી આ સિદ્ધિ બદલ ગર્વ અનુભવીએ છીએ. બાઇડેન વહીવટીતંત્રની નિમણૂક અમેરિકાના નિર્માણમાં ભારતીયોના ફાળાનું પ્રતિબિંબ પાડે છે.
રંગાસ્વામી અમેરિકન સ્થિત ભારતીય મૂળના નેતાઓના વૈશ્વિક સંગઠન ઇન્ડિયન ડાયસપોરાના સ્થાપક અને વડા છે. બાઇડેન તેમના સેનેટર તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતીય જનસમુદાય સાથે સારો સંબંધ ધરાવે છે. તેમની ભારતીય નેતાગીરી અંગે કેટલીક વખત મજાક પણ કરાતી હતી. તેમણે 2020માં ભારતીય મૂળની કમલા હેરિસને ઉપપ્રમુખ પદે પસંદ કરીને રીતસરનો ઇતિહાસ સર્જ્યો હતો.
- Advertisement -
બાઇડેનના સ્પીચ રાઇટર વિનય રેડ્ડી છે. કોવિડ-19 અંગે તેમના મુખ્ય સલાહકાર ડો. આશિષ ઝા છે. ક્લાઇમેટ પોલિસી અંગેના સલાહકાર સોનિયા અગરવાલ છે. ક્રિમિનલ જસ્ટિસ પરના ખાસ સહાયક ચિરાગ બૈન્સ છે, ઓફિસ પર્સોનલ મેનેજમેન્ટના હેડ કિરણ આહુજા છે. નીરા ટંડન વરિષ્ઠ સલાહકાર છે અને રાહુલ ગુપ્તા ડ્રગ્સ કંટ્રોલર છે.
યુવાન વેદાંત પટેલ વિદેશ વિભાગનો નવો નાયબ પ્રવક્તા છે, ગરિમાવર્મા ફર્સ્ટ લેડી ઓફિસની ડિજિટલ ડિરેક્ટર છે. બાઇડેને કેટલાક ભારતીય અમેરિકાના રાજદૂત તરીકેના મહત્વના હોદ્દા પર નિમણૂક કરી છે. આ સિવાય યુએસ સેનેટમાં ડો. અમી બેરા, રો ખન્ના, રાજ ક્રિષ્ણામૂર્તિ અને પ્રમિલા જયપાલ ચૂંટાઈ આવ્યા છે. આ સિવાય ચાર ભારતીય મેયર પણ છે.